રોજમદાર કર્મચારીએ બેન્કના ૧૯ ખાતેદારની ચેક બુક મેળવી વિડ્રો ફોર્મ
ભરી કૌભાંડ આચર્યુ: મેનેજર, કેશિયર સહિત ચાર સામે નોંધાતો ગુનો
પાલિતાણા નજીક આવેલા વાળુકર ગામની સૌરાષ્ટ્ર ગ્રામિણ બેન્કના મેનેજર, કેશિયર અને રોજમદાર કર્મચારીએ મળી બેન્કના ૧૯ જેટલા ગ્રાહકોના ખાતામાંથી રૂ.૩૬.૬૩ લાખ બારોબાર ઉપાડી ઉચાપત કરી કૌભાંડ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ વઢવાણના વતની અને ભાવનગરના દેવબાગ પાસે આવેલી જય ગોપાલ સોસાયટીમાં રહેતા અને સૌરાષ્ટ્ર ગ્રામિણ બેન્કના રિજીયોનલ મેનેજર પ્રદિપકુમાર મસ્તરામ આચાર્યએ પાલિતાણા ખાતેના વાળુકર ગામની સૌરાષ્ટ્ર ગ્રામિણ બેન્કના મેનેજર આશિષ અનિલકુમાર સિંહ, બેન્કના કેશિયર પ્રશાંત બાબા સલીયા, બેન્કના રોજમદાર કર્મચારી પૃથ્વીરાજ મનજી ચૌહાણ અને તેના પિતા મનજી બેચર ચૌહાણ સામે રૂ.૩૬.૬૩ લાખની ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પૃથ્વીરાજ ચૌહાણને સૌરાષ્ટ્ર ગ્રામિણ બેન્કમાં રોજમદાર કામદાર તરીકે નોકરી પર રખાયા બાદ તેને હાઉસકીપીંગનું મેન્ટેનશનું કામ સંભાળવાનું હતું. તેને તા.૧-૧-૧૬ થી તા.૨૮-૫-૧૯ દરમિયાન સૌરાષ્ટ્ર ગ્રામિણ બેન્કના ૧૯ જેટલા ગ્રાહકોના ખાતામાંથી ચેક અને વીડ્રો ફોર્મની મદદથી રૂ.૩૬.૬૩ લાખ ઉપાડી પોતાના ખાતામાં જમા કરાવી અંગત ઉપયોગ કરી ઉચાપત કર્યાનું બેન્કના કેશિયર પ્રશાંતભાઇ સળીયાએ ફોન કરી જાણ કરતા રીજીયોનલ ઓફિસના વી.એસ. મેવાડા અને ડેપ્યુટી મેનેજર સંજય શેઠને વાળુકરની બેન્કમાં તપાસ કરવા મોકલ્યા હતા.
બંનેની તપાસ દરમિયાન ખાતેદારોની જાણ બહાર વીડ્રો ફોર્મમાંથી રકમ ઉપાડયાની અને પૃથ્વીરાજ ચૌહાણે પોતાના ખાતામાં જમા કરાવ્યાનું અને ઉચાપત પ્રકરણ અંગે બેન્ક મેનેજર આશિષકુમાર સિંહ અને કેશિયર પ્રશાંતભાઇ સળીયાએ ફરજમાં બેદરકારી દાખવ્યાનું બહાર આવતા ચારેય સામે ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઇ. એમ.એસ.જાડેજા સહિતના સ્ટાફે ચારેય સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.