દરેક સરકારી તેમજ ખાનગી ક્ષેત્રોમાં જે -તે વ્યવસાય મુજબ એક ચોક્કસ અભ્યાસક્રમ નક્કી થયો છે અને યોગ્ય શૈક્ષણિક લાયકાત વાળી વ્યક્તિને જ તેમાં એપોઇન્ટ કરવામાં આવે છે.

એક સમય હતો કે જ્યારે ભણતરનું મહત્વ એટલું ન હતું જેટલું આજે છે. એ સમયે આજના જેટલી ખાનગી કંપનીઓ કે ધંધાકીય ક્ષેત્ર આટલું વિશાળ ન હતું પરંતુ સમય જતાં ટેક્નોલોજીનો વિકાસ થયો અને કામનો પ્રકાર બદલાયો. જુના સમયમાં શારીરિક શ્રમનું મહત્વ અને અનિવાર્યતા હતી જે આજે સ્કીલનો જમાનો આવ્યો. દરેક કામ મશીનો દ્વારા થવા લાગ્યા. નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓને લઈને એક જ ફર્મમાં દેશ-વિદેશના કર્મચારીઓ સાથે કામ કરતા થયા અને એ રીતે ટેક્નોલોજીનો એક યુગ શરૂ થયો.

સમય સાથે બદલાયેલી જરૂરિયાતને લઈને શિક્ષણમાં ધરખમ પરિવર્તન આવ્યું. વિદેશોની સરખામણીએ ભારતને વિકસિત બનાવવા મેન પાવરને બદલે મશીન પાવરને પ્રાધાન્ય અપાયું. એક સમયે અભ્યાસની માટે ત્રણ ફેકલ્ટી ગણાતી અને એ નક્કી જ હતું કે સાયન્સનો વિદ્યાર્થી ડોકટર કે એન્જીનીયર બને, કોમર્સનો વિદ્યાર્થી બેંકની નોકરી મેળવે અને આર્ટ્સનો વિદ્યાર્થી શિક્ષક બને. આ સિવાય ચોથો કોઈ અભ્યાસક્રમ હતો નહિ કે નહતી કોઈ વ્યવસાયની આ સિવાયની તકો.  એ પછી મલ્ટીનેશનલ કંપનીઓનો પગપેસારો થયો ,ધંધાની નવી તકો વિકસી એના પગલે અભ્યાસક્રમમાં વિવિધતા આવી.

આજે મશીનો બનાવવાથી લઈને દરેક ઉત્પાદક કંપની જે-તે ટેક્નોલોજીની આવડત ધરાવતો સ્ટાફ જ પસંદ કરે છે. સમય જતાં હોટેલ, પર્યટન, કલા આ તમામ ક્ષેત્રોને ધંધાના રૂપમાં વિકસાવવામાં આવ્યા અને દરેક માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત વાળા સ્ટાફની આવશ્યકતા ઉભી થતાં અભ્યાસક્રમમાં પણ નવા નવા વિષયોનો સમાવેશ થયો. શરૂઆતથી ભણાવાતા તમામ વિષયોમાં આગળ જતાં ફેરફાર કરી વિદ્યાર્થી પોતાની રસરૂચી અને પોતે જે કાર્ય થકી પોતાની આવક મેળવવા ઈચ્છે.

એ વિષય પસંદ કરી એમાં નિપુણતા મેળવવા એ જ વિષયના માસ્ટર્સ બનવા તરફ આગળ વધે. આ આખી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ થયો કે દરેક ધંધામાં નિપુણ અને યોગ્યતા વાળા કર્મચારીઓ આવતાં ધંધાના વિકાસને વેગ મળ્યો. પહેલાં ગ્રેજ્યુએશન કે પી.ટી.સી. કરનાર પણ માધ્યમિક શિક્ષક બની જતા જે હવે પ્રાથમિક શિક્ષક બનવા માટે પણ આકરી પરીક્ષાઓ પાસ કરવી પડે છે મતલબ કે દરેક ક્ષેત્રમાં એને અનુરૂપ ભણતરમાં નિપુણ લોકોને લેવાથી વિકાસ બમણી ઝડપે વધ્યો.

જરૂરિયાત અને સમય બદલાવા છતાં એક જ ક્ષેત્ર એવું રહ્યું કે જેમાં પહેલાં અને આજે પણ કોઈ શૈક્ષિણીક લાયકાતની આવશ્યકતા વગર હોદ્દો મળી જાય છે અને એ છે રાજકારણ. રાજકારણ એ આમતો સૌથી મોટી એવી કંપની છે કે દેશનો વિકાસ આ એક જ કંપનીના હાથમાં છે. રાજકારણ એ સેવા નથી, પ્રોફેશન છે. દરેક રાજકારણી આ ક્ષેત્રમાંથી જ કમાય છે. સેવા માટે લાયકાત જરૂરી નથી અને એક સમયે રાજકારણ એ સેવા જ હતી. હોશિયાર અને  વિઝન વાળી વ્યક્તિ દ્વારા દેશને સમૃદ્ધ બનાવવાની સેવા.

આજે યુગ બદલાયો અને રાજકારણ એ પ્રોફેશન થઈ ગયો . રાજકારણનો હિસ્સો બનીને , રાજકારણી બનીને જ દરેક ક્ષેત્રના વિકાસ માટેનાં ઉત્તમ નિર્ણયો લઈ શકાય છે એમાં કોઈ બેમત નથી છતાં આ એક જ ક્ષેત્ર એવું છે કે જેમાં પ્રવેશવા માટે કોઈ શૈક્ષિણીક લાયકાતની આવશ્યકતા નથી. રાજકારણમાં પણ અલગ અલગ વિભાગો છે શિક્ષણ, પ્રવાસન, નાણાં, રેલ.આવા અનેક અને આવા દરેક વિભાગ માટે જે-તે વિષયમાં નિપુણ વ્યક્તિ જો સત્તા પર આવે તો એની આવડતનો લાભ દેશને મળી શકે.

અભ્યાસક્રમમાં જ્યારે સમય મુજબ અનેક નવા વિષયોને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે રાજકારણને લગતો વિષય હજી આજે પણ ક્યાંક સુષુપ્ત અવસ્થામાં હોય એવું લાગે છે. પોલિટિકલ સાયન્સ અને માસ કોમ્યુનિકેશન જેવા વિષયો આજે પણ ક્યાંક દબાઈને રહી ગયા છે કે પછી એ વિષયમાં રસરૂચી ધરાવતો અને ખરેખર દેશમાં બદલાવ લાવવા ઇચ્છતો વ્યક્તિ એક જ કારણસર સત્તા પર નથી આવી શકતો કે આપણાં રાજકારણમાં કોઈ શૈક્ષણિક લાયકાતનો નિયમ નથી.

નાનામાં નાની કંપની પણ પોતાની ફર્મમાં યોગ્ય લાયકાત વાળા કર્મચારી પસંદ કરે છે . અરે, બદલાતા સમયમાં તો ઘર ચલાવવા માટે પણ શિક્ષિત પત્ની પર જ પસંદગીનો કળશ ઢોળાય છે તો આખો દેશ અભણ અને અંગુઠાછાપ વ્યક્તિઓ દ્વારા કેવી રીતે ચાલે? માત્ર વાતો ,અનુભવ કે  કવાદાવાથી દેશ ચાલી શકે પણ એને વેગ તો શિક્ષણ જ આપી શકે. રાજકારણમાં હોદ્દો મેળવવા માટે એક અતિ હાસ્યાસ્પદ અને વાહિયાત લાયકાત નક્કી કરવામાં આવી કે બે થી વધુ બાળક ધરાવતી વ્યક્તિ રાજકારણના હોદ્દા માટે લાયક નથી. નિયમ તો આવો પણ કરી શકાય કે રાજકારણમાં પ્રવેશવા ઇચ્છનાર દરેક વ્યક્તિ પોતાનું એક બાળક આર્મી,નેવીને દેશની રક્ષા માટે આપે.

અન્ય દેશોની સરખામણીએ સૌથી નબળું રાજકારણ હોવાના કારણોમાં એક સૌથી મોટું અને મહત્વનું કારણ છે યોગ્ય શૈક્ષણિક લાયકાત વાળી વ્યક્તિનો અભાવ. શિક્ષણ ક્ષેત્રે જ્યારે આટલો વિકાસ થયો છે, નવા નવા વિષયોને મહત્વ અપાઈ રહ્યું છે ત્યારે આપણા શિક્ષણમાં રાજકારણલક્ષી અભ્યાસક્રમને ફરજિયાત બનાવવો જોઇએ. રાજકારણને સ્પર્શતા વિષયોની એક અલગ ફેકલ્ટી બને અને જે છે એને અપડેટ કરે. રાજકારણમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વ્યક્તિ માટે એક અભ્યાસક્રમ નક્કી થાય અને એ મુજબ જ પ્રવેશ પરીક્ષા આપીને રાજકારણમાં પ્રવેશ મેળવાય. હા, વાત હાસ્યાસ્પદ કે શેખચલ્લીનાં વિચારો જેવી લાગે કદાચ પરંતુ જો આ પદ્ધતિ અપનાવવામાં આવે તો રાજકારણ પણ સિસ્ટમથી ચાલે.

લોકશાહીનો સૌથી મોટો ફાયદો એ છે કે દરેક નાગરિકને પોતાની પસંદગીના પક્ષને સત્તા પર લાવવાનો અધિકાર છે. આજે મુખ્ય બે પક્ષમાં ભાજપથી થાકેલા લોકોને કોંગ્રેસમાં પણ કોઈ મજબૂત રાજકારણી નહિ દેખાતો હોવાને લીધે અનિચ્છાએ પણ ભાજપને સ્વીકારવો પડે છે. દરેક નાગરિક એકજુટ થઈને આ બદલાવ લાવી શકે છે. સ્વતંત્રતા પછીથી આજ સુધીમાં સમયની માંગને ધ્યાનમાં રાખીને  નિયમોમાં કે બંધારણમાં ઘણાં બદલાવ આવ્યા તો આ પણ આજના સમયનો એક સૌથી મોટો જરૂરી બદલાવ છે. દરેક નાગરિકને એ પૂછવાનો,જાણવાનો અને આગ્રહ રાખવાનો હક્ક છે કે સત્તા પર જે તે હોદ્દાને લાયક વ્યક્તિ જ આવે.

અભ્યાસક્રમમાં રાજકારણ વિષયક ભણતર ફરજિયાત થાય, યુવાનોને વધુમાં વધુ આ વિષય માટે જાગૃત કરાય અને આમાંથી નીકળેલા વિદ્યાર્થીને જ હોદ્દો મળે એવી ગોઠવણ થાય તો વિકાસ શક્ય છે. રાજકારણનો વિષય સ્નાતકના કોઈપણ શાખાના વિદ્યાર્થી માટે ફરજિયાત કરવાથી ભલે દરેક વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ ન કરે પરંતુ મતદાન માટે તો એ દેશનું હિત સમજી જ શકે અને એ રીતે પોતાના મત દ્વારા દેશને વિકાસ તરફ આગળ લઈ જઈ શકે.જોરશોરથી વિકાસના ગાણાં ગાવાથી કે જનતાનું ધ્યાન ભટકાવવાથી વિકાસ શક્ય નથી.

દેશને યોગ્ય ઉમેદવાર મળે એ જોવાની આપણી પણ ફરજ છે. એકપણ પક્ષ સત્તા યોગ્ય નથી લાગતો તો વિરોધ બતાવવાનું પણ મતદાનમાં ઓપ્શન છે જ. આ બદલાવ તાત્કાલિક તો ન આવે પરંતુ માંગણી અને વિરોધ આ બે હથિયાર થકી બદલાવ લાવવો અશક્ય નથી. રાજકારણીઓ ભણે અને પરીક્ષા પાસ કરે એવો જો નિયમ કરવામાં આવે તો આજનાં હોદ્દેદારો માંથી આંગળીના વેઢે ગણાય એટલા  જ બચે. રાજકારણમાં પ્રવેશ પરીક્ષા લેવાય એ અત્યંત જરૂરી છે.

’રાજકારણ એ સેવા છે’ એવું કહી ’મેવા’ ખાતી સરકાર વધુ સમય જનતાને છેતરે એ પહેલાં ભણતર અને નિયમોના ફેરફાર થકી સત્તા પલટો અને સ્વચ્છ રાજકારણ સ્થાપવું અશક્ય નથી. રાજકારણ સેવા નહીં, ધંધો છે અને દરેક ધંધામાં કામ કરતો કર્મચારી યોગ્ય લાયકાત ધરાવતો હોય એ અતિ આવશ્યક છે. સમાજ બદલાવ માંગે છે, શિક્ષણ બદલાવ માંગે છે અને રાજકારણ પણ બદલાવ માગે છે  પહેલ આપણે જ કરવાની છે. યુવાનોને અપીલ છે કે રાજકારણમાં સક્રિય થઈ દેશનું હિત વિચારે અને એ મુજબ શિક્ષિત રાજકારણની રચના કરે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.