નાણા વિભાગમાં સાતમા પગાર પંચ મુજબ પેન્શન આપવાની દરખાસ્ત તૈયાર થઇ નથી
ગુજરાત સરકાર દ્વારા એકતરફ હજુ પણ અનેક આશા વર્કર અને હંગામી રોજમદારો સમાન કામ સમાન વેતનની માગણી કરી રહ્યા છે ત્યારે સરકારમાં જેમને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે તેવા નિવૃત થતા હોય ત્યારે તેમને સાતમાના બદલે છઠ્ઠા પગાર પંચ મુજબ પેન્શન અને ગ્રેચ્યુઇટી મળતું હોવાનો અનુભવ અનેક નિવૃત કર્મીઓને થતા તેઓ ચોંકી ઊઠ્યા છે. સાતમા પગાર પંચ મુજબ પગાર મળતો હોય તો છઠ્ઠા મુજબ અન્ય લાભ કેવી રીતે મળી શકે તે મુદ્દો સરકારી કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા તા. ૧-૧-૨૦૧૬થી કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપ્યો છે પરંતુ તે તારીખથી નિવૃત થયા હોય તેવા કોઇપણ હાલ સાતમા પગાર પંચનું પેન્શન મળતું નથી. જેના કારણે કર્મચારીઓને ભારે આર્થિક નુકસાન થઇ રહ્યું છે એટલું જ નહીં, નિવૃતિ પછી જ પેન્શન મળવાની આર્થિક ગણતરી પણ ખોરવાઇ ગઇ છે. કોમ્યુટેશન ઓફ પેન્શન અને ગ્રેચ્યુઇટીની રકમમાં ઘણો મોટો તફાવત આવે છે તે પણ કર્મચારીઓમાં ચિંતાનો વિષય બનવા પામ્યો છે.
ભારત સરકાર દ્વારા સાતમા પગાર પંચ મુજબ અન્ય ભથ્થાઓ અને તફાવતનો લાભ આપી દીધો છે પરંતુ રાજ્યમાં હજુ તેનો અડધો-પડધો અમલ થયો છે. રાજ્યમાં ૧-૧-૨૦૧૬થી ૩૧-૩-૨૦૧૭ સુધી નિવૃત થયેલા કર્મચારીઓની સાતમા પગાર પંચ મુજબ ચકાસણી કરવાના હુકમો થયા છે પરંતુ ૧-૪-૨૦૧૭ પછી નિવૃત થયા હોય તેવા કર્મચારીઓની ઓનલાઇન પગાર ચકાસણી માટે હજુ વિભાગમાં કોઇ સૂચના આપવામાં આવી નથી. જેના કારણે નાણાં વિભાગમાં સાતમા પગાર પંચ મુજબ પેન્શન અને ગ્રેચ્યુઇટીની દરખાસ્તો તૈયાર થઇ શકતી નથી. જેથી હજુ પણ જે કર્મચારીઓ કે અધિકારીઓ નિવૃત થઇ રહ્યા છે તેઓને સાતમા પગારપંચનો લાભ મળી શકે તેમ નથી.
નાણાં વિભાગ દ્વારા જો દિવાળીના તહેવારો પહેલા રાજ્ય સરકાર દ્વારા સાતમા પગાર પંચ મુજબ અપાઇ ગયેલા પગારોની ચકાસણીની સત્તાઓ વહેલી તકે ડીએટીની જેમ રાજ્યના ડીપીપીએફને આપી દેવામાં આવે તો નિવૃત થઇ ગયેલા અને નિવૃત થનારા તમામ કર્મચારીઓના સાતમા પગાર પંચ પેન્શનના કેસોને લાભ સાથે મંજૂર કરી શકાય તેમ છે. તે સાથે જેમને સાતમા પગારપંચનો લાભ મળ્યો નથી તેવા જે દરખાસ્ત પડતર છે તેમને પણ લાભ સાથે મંજૂરી આપી શકાય તેમ હોવાનું નિવૃત કર્મચારીઓ દ્વારા સરકારમાં કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે.