જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં કરાર આધારીત પ૪ જેટલા કર્મચારીઓએ પોતાના ત્રણ માસથી પગાર થતો ન હોવાના કારણે રાજીનામા ધરી દીધા હતાં. જેને લઈને જી.જી. હોસ્પિટલના કર્મચારીઓની ઘટ ઊભી થઈ હતી અને વહીવટી તંત્રની દોડધામ થઈ હતી. દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે દરમિયાનગીરી કરી રોગી કલ્યાણ સમિતિના નિયમો હેઠળ અને કોવિડ-૧૯ ની સરકારની નવી ગાઈડલાઈન મુજબ અમુક કર્મચારીઓને સીધા ભરતીથી ત્રણ માસ માટે ફરજ પર લઈ લીધા છે અને તેઓની હંગામી ધોરણે ફરજ અપાઈ છે.
કોન્ટ્રાક્ટ બેઈઝના કર્મચારીઓને પગાર થતો ના હોવાની ફરિયાદ પછી જી.જી. હોસ્પિટલના હંગામી કર્મચારીઓમાં મામલો ગરમાયો હતો અને પ૪ જેટલા કર્મચારીઓએ રાજીનામા આપ્યા પછી જિલ્લા કલેક્ટરે આ મામલે જી.જી. હોસ્પિટલના સત્તાવાળાઓ સાથે મસલતો કરી કોવિડ-૧૯ નવા નિયમો અનુસાર ૩૦ થી વધુ કર્મચારીઓને આજે ત્રણ મહિનાના કરાર ઉપર ફરજ પર લઈ લીધા છે. જેઓને હંગામી ધોરણે નોકરી પર લઈ લીધા પછી ૧૮,૦૦૦ નો પગાર પણ નિશ્ચિત કર્યો છે.કોન્ટ્રાક્ટર બેઈઝના કર્મચારીઓને પ્રતિમાસ ૧૩ હજાર જેટલો પગાર મળતો હતો, જ્યારે આજે સીધી ભરતીમાં ૧૮ હજાર જેટલો પગાર નિશ્ચિત થયો છે જેથી બાકીના કર્મચારીઓ ફરજ પર ચડી જવા માટે સહમત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.