સરકારે સુપ્રીમ કોર્ટના સમાન વેતન–સમાન કામના ચૂકાદાનો સંપૂર્ણ અમલ નથી કર્યો: હેલ્થ મિશન, આઇસીડીએસ, મીશન મંગલમ વગેરેના હંગામી કર્મીઓ જોડાશે
સુપ્રીમ કોર્ટ દ્વારા એકસરખું કામ કરતા કર્મચારીઓનું વેતન અલગ અલગ હોઇ શકે નહીં તેવો ચૂકાદો આપ્યો હોવા છતાં ગુજરાત સરકારમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર માટે તેનો અમલ કરાયો ન હોવાથી જો સમાન વેતનનો અમલ નહીં થાય તો ૧૧મીએ માસ સીએલનું એલાન કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિ દ્વારા અપાયું છે. જેમાં નેશનલ હેલ્થ મિશન, નરેગા, આઇસીડીએસ, મિશન મંગલમ્, સર્વ શિક્ષા અભિયાનના હંગામી કર્મચારીઓ, વોટરશેડના કર્મીઓ અને નગરપાલિકાથી લઇ પંચાયતોના કોન્ટ્રાક્ટ, આઉટ સોર્સિંગ, માનદ્ વેતન પર કામ કરતા કર્મચારીઓ અને રોજમદારો જોડાશે.
રાજય સરકાર દ્વારા ફિક્સ પગારદારો માટે સાતમા પગાર પંચના પહેલા ધોરણનો અમલ કરવાની અને ૬૫ ટકાથી ૧૨૪ ટકાના પગાર વધારાની જાહેરાત કરાઇ છે પરંતુ મોટી સંખ્યામાં સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પર કર્મચારીઓને કામ પર રખાય છે જેમને પૂરા લાભ મળતા નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦૧૬માં કોન્ટ્રાક્ટ કર્મીઓ માટે અપાયેલા ચૂકાદા મુજબ એકસરખું કામ કરતા કર્મચારીઓનું વેતન અલગ અલગ હોઇ શકે નહીં. ઉદાહરણ તરીકે રાજય સરકારમાં એક સમાન કામ બજાવતા મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરને ફુલ પગારમાં ૨૭,૦૦૦, ફિક્સ પગારમાં ૧૯,૯૮૦ અને કોન્ટ્રાક્ટ પર હોય તેને ૨૫૦૦ રૂપિયા વર્ષોથી ચૂકવાય છે. ગુજરાત સરકારની ભેદભાવભરી નીતિના કારણે સમાન કામ કરતા હજ્જારો કર્મચારીઓને ઓછું વેતન મળી રહ્યું છે. રેગ્યુલર મહેકમની ભરતી પ્રક્રિયામાં જે તે પોસ્ટ પર ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ કર્મીઓને પ્રાથમિકતા અપાય, ૫૮ વર્ષ સુધી જોબ સિક્યોરિટી, આઉટસોર્સિંગ પ્રથા સદંતર બંધ કરવી અને વર્ગ-૪ની ભરતી પુન: જીવિત કરવા પણ સમિતિ દ્વારા માગણી કરાઇ છે.
સમિતિ દ્વારા માગણી છે કે, જો સરકાર તાકીદે આ માગો નહીં સંતોષે તો ૧૧મીએ સરકારમાં ફરજ બજાવતા તમામ કોન્ટ્રાક્ટ, ફિક્સ પગાર અને આઉટસોર્સિંગ પરના સેંકડો કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે અને તે પછી પણ માગણી નહીં સંતોષાય તો ૧૮મીથી વધુ કાર્યક્રમો અપાશે. જન અધિકાર મંચના સુબોધ પરમારે જણાવ્યું હતું કે, વર્ગ-૪ના કર્મચારીઓની માગણીઓ અંગે મુખ્યમંત્રી કાર્યાલયમાં આવેદન અપાયું હતું. જેમાં કેટલાક કર્મચારીઓ ૧૩ વર્ષથી કામ કરતા હોવા છતાં છ હજાર રૂપિયાના નજીવા વેતનમાં કામ કરી રહ્યા છે અને તેમને પેન્શન કે અન્ય ભથ્થાના કોઇ લાભ અપાતા નથી. જો સરકાર ટૂંક સમયમાં આ મુદ્દાઓને નહીં સ્વીકારે તો આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરાશે.