પ્રશ્ર્નનું નિરાકરણ નહિં આવે તો ભૂખ હડતાળ પર ઉતરી જવાની ચીમકી

આજી-જીઆઇડીસી વિસ્તારમાં આવેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડના માલિક દ્વારા 450 કર્મચારીઓને છેલ્લાં ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. જેના વિરોધમાં આજે કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ ધામા નાંખ્યા હતાં. જો કલેક્ટર તંત્ર મધ્યસ્થી કરી સમસ્યાનું નિવારણ નહિં લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર બેસી જવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી કંપનીના 450 કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી. ગત નવેમ્બરનો અડધો પગાર જાન્યુઆરી આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ કંપનીના માલિકે પગાર આપી દેવાનું વચન આપ્યું હતું. પરંતુ અવારનવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધી પગાર પેટે કોઇ રકમ ચૂકવવામાં આવ્યું નથી.

કંપનીમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેઓએ પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે. આજે મોટી સંખ્યામાં કર્મચારીઓ કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતાં. તેઓએ કલેક્ટર સમક્ષ એવી રજૂઆત કરી હતી કે કલેક્ટર મધ્યસ્થી બની તેઓને કામનું વેતન ચૂકવવા માટે મદદરૂપ થાય જો સમસ્યાનું નિવારણ નહિં આવે તો આગામી દિવસોમાં ભૂખ હડતાલ સહિતના આંદોલાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.