કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા ગુજરાત રાજ્યમાં 17 હોસ્પિટલો બનાવવામાં આવશે. આ ઉપરાંત સંસ્થા દ્વારા કર્મચારીઓને અપાતી અપંગતા અને મૃત્યુની સહાયમાં પણ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
દેશમાં કુલ 26 હોસ્પિટલોનું નિર્માણ કરવાની સરકારે આપી લીલીઝંડી : કર્મચારીઓને અપાતી અપંગતા અને મૃત્યુની સહાયમાં પણ વધારો
કર્મચારી રાજ્ય વીમા નિગમ સામાજિક સુરક્ષા પ્રદાન કરતી સૌથી મોટી સંસ્થાઓમાંની એક છે. હાલમાં કોર્પોરેશનની દેશભરમાં 161 હોસ્પિટલો અને 1574 દવાખાનાઓ છે, જેમાંથી 643 જિલ્લાના કર્મચારીઓને લાભ આપવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનની યોજના હેઠળ વીમો લેનાર કર્મચારીઓની સંખ્યા 3.42 કરોડ છે, જ્યારે તેમના સંબંધીઓને સામેલ કરવામાં આવે તો આ આંકડો 13.3 કરોડ સુધી પહોંચે છે.
કેન્દ્રએ શુક્રવારે કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ પરમેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ અને ડિપેન્ડન્ટ બેનિફિટના દરમાં વધારો કર્યો છે. બીજી તરફ કોર્પોરેશને એ પણ નક્કી કર્યું કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં નવ નવી ઇએસઆઈ હોસ્પિટલો અને ગુજરાતમાં 17 નવી ઇએસઆઈ હોસ્પિટલો સ્થાપવામાં આવશે.
આ ઉપરાંત, ઇએસઆઇસી હોસ્પિટલ, બિબવેવાડી, મહારાષ્ટ્રમાં મંજૂર બેડની સંખ્યા 100 થી વધીને 120 થશે. ઇએસઆઇસી હોસ્પિટલ, રાઉરકેલા, ઓડિશામાં બેડની સંખ્યા 75 થી વધીને 150 થશે. ઇએસઆઇસી હોસ્પિટલ, અંધેરી, મહારાષ્ટ્રને 500 પથારીની ક્ષમતા ધરાવતી મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે વિકસાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી.
સંસ્થામાં ઓક્ટોબરમાં 17.28 લાખ નવા કર્મચારીઓ ઉમેરાયા
કર્મચારી રાજ્ય વીમા નિગમની વિવિધ યોજનાઓ હેઠળ ઓક્ટોબરમાં 17.28 લાખ નવા કર્મચારીઓ ઉમેરવામાં આવ્યા છે. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 23,468 નવી સંસ્થાઓ નોંધાઈ છે. યુવાનો માટે રોજગારીની વધુ તકો ઊભી થઈ. નવા રજીસ્ટ્રેશનમાં 25 વર્ષ સુધીના 8.25 લાખ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
એલઆઇસી એજન્ટોને હવે ત્રણની બદલે પાંચ લાખની ગ્રેચ્યયુટી મળશે
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તેના એજન્ટો માટે ગ્રેચ્યુઈટી મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી છે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ વધારો ભારતીય જીવન વીમા નિગમ (એજન્ટ) રેગ્યુલેશન-2017માં સુધારો કરીને અમલમાં લાવવામાં આવ્યો છે.