વર્ષોથી ચાલતા પડતર પ્રશ્નો અંગે નિકાલ નહી આવે તો આંદોલન ઉગ્ર બનશે
ગુજરાત સરકારના એસ.ટી. વિભાગ હેઠળ એસ.ટી. નિગમના ખાનગીકરણને અટકાવવા રાજકોટ એસ.ટી. નિગમ હેઠળ આવતા તમામ ડેપોમાં એસ.ટી. કર્મચારીઓનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ઉપરાંત પડતર પ્રશ્નોની માંગણીને લઈને પણ કર્મચારીઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરે તેવી ચીમકી આપી છે.
એસ.ટી. વિભાગના કર્મચારીઓની પડતર પ્રશ્ર્નોની માંગણીઓ તેમજ નિગમના વહીવટીતંત્ર દ્વારા નિગમના અધિકારીઓ, કર્મચારીઓ, મીકેનીકલ સ્ટાફને ટાર્ગેટ બનાવવામાં આવે છે. ડ્રાઈવર કંડકટરને મેમો ચાર્જશીટ આપી નૂકશાન કરવામાં આવે છે. બસોના રૂટમાં વારંવાર ફેરફાર, રનીંગ ટાઈમ, મિકેનીકને પૂરતો સામાન કે જરૂરી ટુલ્સનો અભાવ તેમજ પડતર માંગણી મામલે રાજકોટ સહિતના એસ.ટી. ડેપોમાં યુનિયન દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવામા આવ્યો છે.
આ આંદોલન હજુ આવતીકાલ સુધી યથાવત રહેશે. ખાનગીકરણને અટકાવવા અ ને પડતર પ્રશ્નોનો જો આગામી દિવસોમાં નિકાલ નહી આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.