અલંગના સ્ક્રેપના વેપારી પેઢીમાં ફરજ બજાવતા કર્મચારીએ આંગડીયા પેઢીમાં અને વેપારીને ચુકવવાના બહાના રૂા.૫૨ લાખની ઉચાપત કર્યાની ભાવનગર ગંગાજળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં રહેતા અને વાઘાવાડી રોડ પર સ્ક્રેપ લે-વેચની ઓફિસ ધરાવતા કેતન ચીનુભાઇ શાહની ઓફિસમાં છેલ્લા દસ વર્ષથી ઓફિસનું તમામ કામ કાજ સંભાળતા શૈલેષ ગણપત મકવાણાએ રૂા.૫૨.૩૫ લાખની ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કેતનભાઇ શાહે આંગડીયા પેઢીમાં જમા કરાવવા માટે રૂા.૧૫ લાખ આપ્યા હતા અને શ્રી ગણેશ આંગડીયા પેઢીમાંથી કયુમ નામના માણસ પાસેથી રૂા.૩૭.૩૫ લાખ લાવવાના હતા એમ કુલ રૂા.૫૨.૩૫ લાખ શૈલેષ મકવાણાએ ઉમેશ આંગડીયા પેઢીમાં જમા કરાવવાનું કામ સોપ્યુ હતું. તેની પાસે આવેલા રૂા.૫૨.૩૫ લાખ આંગડીયા પેઢીમાં જમા ન કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી ફરાર થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ગંગાજળીયા પોલીસ મથકના પી.આઇ. ડી.જી.પટેલ સહિતના સ્ટાફે સ્કેપના વેપારી કેતનભાઇ શાહની ફરિયાદ પરથી શૈલેષ મકવાણા સામે ઉચાપતનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.