પ્રેમ પ્રકરણ હોવાનું પ્રાથમિક તારણ: લોકોના ટોળા ઉમટયા
અમરેલીમાં સાંસદની મંડળીમાં કામ કરતા કર્મચારીએ કચેરીમાં જ દુપટ્ટા સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. અંગેની જાણ થતાં જ સાંસદ તેમજ અન્ય આગેવાનો, પોલીસ અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા. યુવાન પાસેથી બે અલગ અલગ પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી છે. આ અંગેની વિગતો આપતા અમરેલીના ડિવાએસપી જે. પી. ભંડારીએ જણાવ્યું કે, અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયાને ત્યાં તેમની સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી મંડળીમાં ફરજ બજાવતા 21 વર્ષીય યુવાન આશિષ અશોકભાઈ બગડા ઉ.વ.21 રહે . ચાંપાથળવાળાએ તેની જ ઓફિસમાં પંખા સાથે દુપટ્ટા વડે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આશિષ આ મંડળીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. પોલીસને અલગ અલગ બે પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં પોતાના માતા પિતા અને બહેન પ્રત્યે લાગણી વ્યક્ત કરવામાં આવી છે પણ આપઘાત કરવા પાછળનું કારણ લખ્યું નથી. પ્રેમ પ્રકરણના કારણે આ યુવાને આપઘાત કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે અને લોકોના નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે.
મા તમે કોઈ ચિંતા કરતા નહીં.. દવા સમયે લેજો
મરનાર યુવાને એક સ્યુસાઈડ નોટ પોતાના માતાપિતાને સંબોધીને લખી છે જેમાં લખ્યું છે કે, મમ્મી આઇ લવ યુ, પપ્પા આઇ લવ યુ. પપ્પા મને માફ કરજો અને બેન પપ્પાનું ધ્યાન રાખજે. કોઈપણ તકલીફ પડવા દેતી નહીં અને દિકરો બનીને સાચવજે. કાકા, માસી, આયુષ, મીત, અનુજ, પ્રીતિ હંમેશા તમારી સાથે જ છું. દાદા આઇ મિસ યું. મા તમે કોઈ ચિંતાના કરતા અને દવા એ સમય લેજો.
બેન તારા લગ્નમાં મારી હાજરી હશે પણ શરીર નહીં હોય
યુવાને બીજી સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, મમ્મી આઇ લવ યુ… અને કદાચ જન્મ મળેને તો મા આવી જ મળજો. પપ્પા આઇ મિસ યુ. તમને માફ કરી દેજો. તમારા ઉપર આટલું દુ:ખ હોવા છતાં આ દુ:ખ મળ્યું અને હંમેશા તમારી યાદ રહેશે. બેન તારો ભાઈ તારી સાથે છે અને તારા લગ્નમાં મારી હાજરી હશે પણ શરીર નહીં હોય…..