કિશોરાવસમાં અદૃ્ભુત શક્તિઓનો આવિર્ભાવ
વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિનથી શ‚આત થઈ છે. તો સમગ્ર વર્ષ દરમ્યાન તેઓના પરમ ભકત પૂજય ગુરુદેવશ્રી રાકેશભાઈ દ્વારા રચિત લેખમાળાના બાવન પુષ્પોથી આપણા જીવનને સુગંધિત કરીએ, જયોર્તિમય કરીએ. પ્રસ્તુત છે શ્રીમદ્ રાજચંદ્રજીના અખંડ પ્રચંડ સાધના‚પ જીવનની યશોગાથા.
જેતપર, અમદાવાદ આદિ સ્થળોએ અને વિ.સં.૧૯૪૩માં મુંબઈમાં તેમણે અવધાનના પ્રયોગો બહોળા પ્રમાણમાં કર્યા હતા. મુંબઈમાં થિયોસોફિકલ સોસાયટીના મકાનમાં યોજાયેલ સભામાં પોતાની સ્મરણશકિત અને કવિત્વશકિતની કસોટી માટે શ્રીમદે અંગ્રેજી, સ્પેનિશ, જર્મન, ફ્રેંચ, લેટિન, ઝંદ, સંસ્કૃત, બંગાળી અને ફારસી એમ નવ ભાષાના જુદા જુદા જાણકારોને કાગળના એક ટુકડા ઉપર છ શબ્દોનું એક એક વાકય લખવાનું કહ્યું હતું. પછી તેમણે તે તે વ્યકિતઓને પોતાના વાકયોના શબ્દો ગમે તે ક્રમમાં આડાઅવળા બોલવા કહ્યું અને જણાવ્યું કે તેઓ તે જુદી જુદી ભાષાના શબ્દો લક્ષમાં લઈ, અંતે કાગળ ઉપર લખ્યા મુજબના વાકયોના શબ્દો ક્રમબદ્ધ કહી સંભળાવશે અને તે દરમ્યાન જુદા જુદા રાગની બે કવિતા રચશે. સભાના એક ગૃહસ્થે માંગણી કરી કે કવિતામાં ‘રુસ્તમજી’ નામ તથા સભાનું વર્ણન આવે એવું કરશો. શ્રીમદે તે વિનંતી સ્વીકારી. તે પછી શ્રીમદે સ્થિર ચિત્તે અવધાન તથા શીઘ્ર કવિતાનું કામ શ‚ કર્યું. જુદી જુદી ભાષાના વાકયો લખનાર ગૃહસ્થો આડાઅવળા છુટક શબ્દો કહેતા જતા હતા. શ્રીમદ્ તે યાદ રાખતા અને તે અરસામાં કવિતા પણ જોડતા અને એકેક લીટી લખાવતા. જુદી જુદી ભાષાના શબ્દો બોલનાર જો કોઈ ભૂલ કરે તો તરત જ તેણે ભૂલ કરી છે એવું તેઓ કહી આપતા. સઘળા શબ્દો પુરા થતા તેઓ, બરાબર કાગળમાં લખ્યા હતા તે જ પ્રમાણે, કાંઈ પણ ભૂલચૂક વિના આખા વાકયો બોલી ગયા અને તેમણે રચેલી કવિતા પણ વાંચી સંભળાવી, જેમાં સભાનું વર્ણન અને ‘રુચી લોક સમસ્તની મન સજી વિદ્યાવિલાસે ગઈ’ એ લીટીમાં ‘રુસ્તમજી’ નામ ગૂંથી લેવામાં આવ્યું હતું. અંતે મિ.રુસ્તમજી અરદેશર માસ્તરે મંડળી તરફથી શ્રીમદ્ને ફૂલોનો હાર અને ગોટો ભેટ આપ્યા હતા.
ત્યારપછી શ્રીમદે ઓગણીસ વર્ષની વયે મુંબઈમાં તા.૨૨/૧/૧૮૮૭, શનિવારે અંગ્રેજ ડો.પીટરસનના પ્રમુખપદ હેઠળ જાહેરમાં ફરામજી કાવસજી ઈન્સ્ટિટયૂટમાં સમાજના જુદા જુદા ક્ષેત્રોના અગ્રગણ્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સો અવધાન કરીને લોકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. પ્રેક્ષક મંડળીએ તેમને સિંધી, અંગ્રેજી, તેલંગુ, કાનડી, મરાઠી, સંસ્કૃત, જર્મન, ફારસી, ફ્રેંચ, પોર્ટુગીઝ એ દસ ભાષાના, છ છ શબ્દના દસ વાકયો ઉત્તરોતર આડાઅવળા કહી બતાવેલા. શ્રીમદે તેને સ્મરણમાં રાખી, તાળીઓના ગડગડાટ વચ્ચે તે વાકયો સક્રમ અને સંપૂર્ણપણે કહી સંભળાવી તથા વિધાનવિધિ વચ્ચે રચેલી કવિતા સંભળાવી સર્વ કોઈને આનંદાશ્ર્ચર્ય પમાડયા હતા.
અવધાન ઉપરાંત તેઓ અલૌકિક સ્પર્શેન્દ્રિયશકિત ધરાવતા જોવામાં આવ્યા હતા. તેમને પ્રથમ એક ડઝન જેટલા જુદા જુદા કદના પુસ્તકો બતાવવામાં આવ્યા હતા અને તેમને તે પુસ્તકોના નામ જણાવવામાં આવ્યા હતા. ત્યારપછી તેમની આંખો પાટા વડે બંધ કરવામાં આવી હતી અને જુદા જ ક્રમમાં એક પછી એક પુસ્તકો તેમના હાથમાં મુકવામાં આવ્યા હતા. જેમ જેમ પુસ્તકો હાથમાં મુકાતા ગયા, તેમ તેમ તે પુસ્તકોનો માત્ર સ્પર્શ કરીને તેમણે તેના નામ કહી દીધા હતા. આ જોઈને ડો.પીટરસનને ખૂબ અચરજ થયું હતું અને તેમણે શ્રીમદ્ને ચમત્કારિક સ્મરણશકિતથી વિભૂષિત થવા માટે અભિનંદન આપ્યા હતા. આ આશ્ર્ચર્યકારક સ્મરણશકિતના પ્રયોગની સફળતા માટે શ્રીમદ્ને સુવર્ણચંદ્રક એનાયત થયો હતો અને તેમને ‘સાક્ષાત્ સરસ્વતી’નું માનવતું બિરુદ પણ પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમની આ વિરલ શકિતની ઠેર ઠેર ખૂબ પ્રશંસા થવા લાગી હતી અને તેઓ ‘શતાવધાની’ તરીકે પ્રખ્યાત બન્યા હતા.
આમ, ક્રમે ક્રમે વધતા જઈ શ્રીમદ્ ટૂંક સમયમાં આઠ, બાર, સોળ, બાવન અને સો અવધાન સુધી પહોંચ્યા અને તેમણે ઉતમ ક્ષયોપશમજ્ઞાનના પ્રયોગો કરી વિજયવાવટો ફરકાવ્યો. બીજા અવધાનીઓને જે શકિત પ્રાપ્ત કરવા અને વિકસાવવા અત્યંત પ્રયાસ કરવા પડે, તે શકિતનો વિકાસ શ્રીમદ્માં સહજ અને સ્વયંસ્ફુરિત થયેલો જોવા મળે છે. તેમની અદ્ભુત શકિત વિશે ‘મુંબઈ સમાચાર’, ‘જામે જમશેદ’, ગુજરાતી ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’, ‘ઈન્ડિયન સ્પેકટેટર ઈત્યાદિ અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ગુજરાતી અને અંગ્રેજી વર્તમાનપત્રોમાં પ્રશસ્તિપૂર્ણ વિસ્તૃત વર્ણનો અને અગ્રલેખો આવતા