ખેતી પાકનો સર્વે કરવાની રજૂઆત છતા કોઈ આદેશ નહી: પ્રજામાં ભારે રોષ
છેલ્લા એક માસ થયા ઉપલેટા પંથકની જનતા વરસાદને કારણે ભારે હાલાકી ભોગવી રહી છે. ઘણા ગામોને જોડતા રોડો પુલો ધોવાઈ ગયા છે. તેમજ પાકના ધોવાણના સર્વેના આદેશો પણ નહી છુટતા જનતામાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. પંથકના મોજીરા ગામથી ભાંખ, કલારાયા સહિત 10 ગામોમાં જવા માટેનાં રસ્તો મોજડેમના પાટીયા ખોલવાથી બેઠાપુલમાં ભારે નુકશાની થતા સામાન્ય રાહદારીઓ અને ટુ વ્હીલર વાહનો ચાલી ન શકતા હોવાથી ખેડુતોને ખેતરોમાં જવા ભારે હાડમારી ભોગવી રહ્યા છે.
જયારે ઉપલેટાથી ગઢાળા, સેવત્રા સહિત ગામો જતા રસ્તા પણ પાણીને કારણે ધોવાઈ જતા આ સાત ગામોને 12 કિલોમીટર ફરીને જવું પડે છે.આ બંને પુલો છાસવારે ચોમાસામાં ધોવાણ થઈ જાય છે. અનેક વખત ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરવા છતાં આ બંને બેઠાપુલની જગ્યાએ નવા ઉચા પુલ બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. તેમજ પંથકના અનેક રસ્તા ખરાબ હોવાથી એસ.ટી.તંત્ર દ્વારા અનેક રૂટશે બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી ઉભી થઈ છે.
જયારે તાલુકાના તમામ ગામોમાં ખેતીના પાકને ભારે નુકશાની થવાથી પાક સંપૂર્ણ ફેલ થઈ ગયો છે. નિષ્ફળ ગયેલ પાકના વહેલા સર્વે થાય તો ખેડુતો બીજો પાક વાવી શકે અને પાક લઈ શકે ખેડુતો સર્વેની રાહ જોઈને બેઠા છે. પણ સરકારના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જો વહેલા સર્વે થાય તો ખેડુત પોતાના નવા પાક માટે વાવેતર કરી શકે તેવું અત્યારે વાતાવરણ છે.