સરકાર હેતુલક્ષી અને કલ્યાણકારી અનેક યોજનાઓ કરે પરંતુ અમૂક અધિકારીઓ ‘હમ નહિં સુધરેગે’ના મૂડમાં…!

જામનગર જિલ્લાના ઐતિહાસિક શૌર્ય ભૂમિ ગણાતા ધ્રોલ શહેરમાં વિકાસના બણગાં ફુકતું તંત્ર છેલ્લા બે વર્ષથી મસમોટા ખાડાઓથી ત્રાહિમામ જનતાને ન્યાય ન આપી શકે તે અણધડ વહિવટ નહીં તો શું ?ધ્રોલથી જોડિયા જવાનો મુખ્ય માર્ગ પર આવેલા પશુ દવાખાના નજીક છેલ્લા બે વર્ષથી મસમોટો ખાડાઓ પડ્યા છે. આ બાબતે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને આ રજૂઆતો અથડાતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે તંત્ર પણ લોકો સાથે ‘ચલક ચલાણ’ની રમત રમતું હોય તેમ નગરપાલિકા કહે છે કે આ રસ્તો અમારામાં નથી આવતો જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કહે છે કે આ રસ્તો અમારામાં નથી આવતો….જ્યારે માર્ગ-મકાન વિભાગને અનેક રજૂઆતો કરવામાં આવ્યા છતાં આ પ્રશ્ન તો અણ ઉકેલ જ રહ્યો છે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.આશ્ર્ચર્યની વાત તો એ છે કે ધ્રોલથી જોડિયા જતો માર્ગ કે જ્યાં મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છે જેમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તથા રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.વિવિધ વિભાગો દ્વારા એકબીજાને ખો’ આપવામાં આવી રહી છે.

પરંતુ આ બિસ્માર માર્ગ ક્યા વિભાગ હેઠળ આવે છે ? તે સોમણનો સવાલ છે. તંત્રએ ધ્રોલની જનતાની વેદના સમજવી જરૂરી છે અથવા તો કોઇ ‘મંત્રી’એ પોતાનું વાહન અહિંથી પસાર કરવું જોઇએ. જેથી અધિકારીઓની આંખ ઉઘડે….તાજેતરમાં માર્ગ-મકાન મંત્રીએ જાહેરાત કરી હતી કે ક્યાંય પણ માર્ગ અંગેની કોઇપણ મુશ્કેલી હોય તો અમને જાણ કરો. તાત્કાલીક નિરાકરણ કરવાનો પ્રયાસ કરાશે. આમ ભાજપની સરકાર  જનતાની સુખાકારી માટે વિવિધ યોજનાઓને સાકાર કરવા મથામણ કરે છે.

પરંતુ એરકંડીશનર ચેમ્બરમાં બેસી વિવિધ વિભાગના અમુક અધિકારીઓ જનતાની સુખાકારી માટે દુર્લક્ષ સેવતા હોય તેવું લાગી રહ્યું છે.ધ્રોલથી જોડિયા જવાનો બિસ્માર માર્ગમાં નાના અકસ્માતો થતા રહે છે. પરંતુ તંત્ર મોટો અકસ્માત થવાનો ઇન્તજાર કરી રહ્યું છે ? આ માર્ગનું તાત્કાલીક રીપેરીંગ થાય તેવું ધ્રોલની પ્રજા ઇચ્છી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.