સાજા થઇ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા બાદ માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિગનું પાલન કરવા બહેન તરીકે ભાઇ પાસે વચન માગ્યું
ભાઇ-બહેનના પ્રતિક સમા રક્ષાબંધનની રાજકોટની સેલસ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓ સાથે ભાવસભર અને અનોખી ઉજવણી કરવામાં આવી. કોરોનાગ્રસ્ત દર્દીઓને નર્સ અને હોસ્પીટલની સ્ટાફ બહેનોએ રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
સેલસ હોસ્પીટલ કે જેમાં હાલ માત્ર કોવિડ-૧૯ ના દર્દીઓની જ સારવાર કરવામાં આવે છે તેના ડાયરેક્ટર ડો. ધવલ ગોધાણીએ જણાવ્યું હતું કે, તાજેતરમાંજ આ હોસ્પીટલને સરકાર કોવિડ-૧૯ ના દર્દીઓની સારવાર માટે મંજુરી આપતા આખી હોસ્પીટલનું અત્યાધુનિક બિલ્ડીંગ કોવિડના દર્દીઓ માટે ફાળવાયું. હાલ કોરોના મહામારી વચ્ચે આવેલ હોસ્પીટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા કુલ ૩૪ ભાઇ બહેનો સાથે હોસ્પીટલના સ્ટાફે રક્ષા બંધનની અનોખી ઉજવણી કરી હતી. જેમાં હોસ્પીટલની ૮ થી ૧૦ નર્સ બહેનો અને સ્ટાફ બહેનોએ કોવિડ-૧૯ ના તમામ પ્રોટોકોલનું પાલન કરતા પીપીઈ કિટ પહેરીને દર્દીઓના બહેન સાથે વીડિયો કોલ કરી તેના વતી ભાઇના કાંડે રાખડી રૂપી રક્ષા બાંધી હતી. આ દ્રશ્ય સાથે કોરોના ગ્રસ્ત દર્દીઓની બહેનો અને ભાઇઓ પણ ભાવુક બન્યા હતા.
સેલસ હોસ્પીટલમાં કોરોનાની સારવાર લઇ રહેલ એક મહિલા દર્દી ભાઇને રક્ષાબંધને રાખડી નહીં બાંધી શકે એટલે રડી પડ્યા હતા ત્યારે સેલસ હોસ્પીલના જ સ્ટાફ હેડ એ મહિલા દર્દી પાસે ગયા અને તેના હાથે રાખડી બંધાવી હતી ત્યારે ત્યાં હાજર દર્દી, ડોક્ટર અને નર્સ બહેનોની આંખો પણ ભીનિ થઇ
કોવિડ કેર સેન્ટરમાં છેલ્લા ૧૦ દિવસથી સારવાર લઈ રહેલા ૫૮ વર્ષીય વૃદ્ધને આરોગ્ય મહિલા કર્મચારીએ રાખડી બાંધતા જ આંખોમાંથી આંસુ સરી પડ્યા
કોવિડ કેર સેન્ટર એટલે માત્ર સારવારનું કેન્દ્ર જ નહીં માનવતાની મહેકથી ધમધમતું આત્મીય કેન્દ્ર
ઘર અને પરીવારથી દુર અને કોરોના કેર સેન્ટર જેવા આઇસોલેશનની વિકટ પરિસ્થિતીમાં હું કેમ રક્ષબંધન ઉજવીશ? આ વિચારથી મનોમન મુંઝવણ અનુભવતો હતો પરંતુ આરતીબેન અને તેની ટીમના સભ્યોએ આવીને સવારમાં જ અમને રાખડી બાંધી દીધી અને મોઢું મીઠુ કરાવ્યું. મને મારી બહેન અને દિકરીની યાદ આવતા હું થોડીવાર રડી પડ્યો હતો. હું આ મેડીકલ સ્ટાફને અંતરથી આર્શિવાદ આપુ છું કે આવી વ્હાલી બેન કે દિકરી ભગવાન દરેક વ્યક્તિને આપે, જે પારકાને પણ પોતાના બનાવી જાણે છે. મારા જીવનના છેલ્લા ૫૮ વર્ષમાં પ્રથમ વખત મને બીજી કોઈક વ્યક્તિએ રાખડી બાંધી દીધી આ શબ્દો છે હર્ષાશ્રુ સાથે લાગણીભીના થયેલા દિલીપભાઈ વિનોદરાય લાઠીગરા કે જેઓ છેલ્લા ૧૦ દિવસ થી હું કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. તેઓ વધુમાં જણાવે છે કે મારા ઘરમાં પાંચ સભ્યો છે પણ તે બધા હોમ ક્વોરેન્ટાઈન છે. તેથી કોઈ મારી સાથે નથી.
રાજકોટના સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોરોનો કેર સેન્ટરના આઇસોલેશનમાં રહેલા ભાઇઓને આ પવિત્ર તહેવારે ભાઇબહેનના સંવેદનાસભર ભાવથી ભીંજવવા કોરોના કેર સેન્ટરના સેવાભાવી ફરજનિષ્ઠ સ્ટાફ દ્વારા રક્ષાબંધનની ઉજવણી થઈ શકે તે માટેનું સુચારૂ આયોજન કરવામાં આવ્યુ હતુ. સલામતીના માર્ગદર્શિકા મુજબના પગલાઓના પાલન સાથે રક્ષા કવચ બાંધી માનવતાની મહેંક પ્રસરાવવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. સેનેટરી ઈન્સ્પેક્ટર અને સુપરવાઈઝર આરતીબેન વાધેલા જણાવે છે કે, કોવિડ કેર સેન્ટર-રાજકોટ ખાતે છેલ્લા એકાદ મહિનાથી ફરજ બજાવું છું. મારા માટે મારી ફરજ એ મારી પ્રાથમિકતા છે. આજે મોર્નિંગ થી હું ડ્યુટી માં છું. મે મારા ભાઈઓને રાખડી નથી બાંધી સમય મળે ત્યારે હું અને મારો પરિવાર રક્ષાબંધન ઉજવશું. મારી જીંદગીનો આ પ્રથમ કિસ્સો છે કે મે મારા સગાભાઈ સિવાય અન્ય કોઈને ભાઈ માનીને રાખડી બાંધી હોય. પણ આજે મે કોવિડ સેન્ટર ખાતે મેં એક દાદાને રાખડી બાંધી ત્યારે તેઓ રડી પડ્યા હતા.
તેમણે કહ્યું કે તેમને તેની બહેન અને દિકરીની યાદ આવી ગઈ જે દર વર્ષે તારી જેમ જ રાખડી બાંધી દેતા. તારો આભાર દિકરી. આ શબ્દો મારા માટે યાદગાર બની રહેશે. આવુંજ કંઇક કોરોના કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલા ઈમ્તિયાઝભાઈ સત્તારભાઈ જણાવે છે કે મને કોરોના થયો છે અને મારો પરિવાર ક્વોરેન્ટાઈન છે. એવા સમયે આજે આરતી બહેન અને તેની ટીમના સભ્યો પી.પી.ઈ. કીટમાં આવીને મને રાખડી બાંધી દીધી અને મને મોઢું મીઠું કરાવ્યું. અંતરમાં જે ખુશી થઈ છે તેના શબ્દો નથી. આ સમગ્ર વ્યવસ્થાપનમાં પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈ, નોડલ અધિકારી વિશાલભાઈ કપુરીયા, નોડલ મેડીકલ ઓફિસર તથા નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફના ઉત્સાહ અને સધન પ્રયાસોના કારણે સારવાર લઈ રહેલા ૪૮ જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.