સેવાભાવી મુકેશ દોશીએ સેવાકીય હેતુથી ચાલતા રાજયના દરેક વૃદ્ધાશ્રમોને બીલ ટેકસમાંથી મુકિત આપવા મુખ્યમંત્રીને રજુઆત કરી

શહેરના સામાજિક અગ્રણી, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને અસંખ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ દોશીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રાજયમાં સેવાના હેતુથી ચાલતા તમામ વૃદ્ધાશ્રમોને વીજબીલમાંથી તેમજ પ્રોપર્ટી ટેક્ષમાંથી મુકિત આપવા રજુઆત કરી છે. સમગ્ર ગુજરાત રાજયમાં સેવાના ભાવથી નિ:શુલ્ક ચાલતા વૃદ્ધાશ્રમો કદાચ ૬૦ થી ૭૦ જેટલા છે ત્યારે મુકેશ દોશીએ મુખ્યમંત્રીને કરેલી રજુઆત મુજબ આપ સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી છો, રાજકોટના પનોતા પુત્ર છો. આપ પણ પુજીત ‚પાણી મેમોરીયલ ટ્રસ્ટના નેજા હેઠળ અસંખ્ય સેવા પ્રવૃતિઓ કરો છો જેથી આપને સંસ્થાની સ્થિતિનો ખ્યાલ હોય જ.

આપના નેતૃત્વ નીચે ચાલતી ગુજરાત સરકારે ગુજરાતના હિતમાં પ્રજાલક્ષી ઘણા નિર્ણયો લીધા છે અને પ્રજાની સુખાકારીમાં વધારો કર્યો છે. રાજયના તમામ વૃદ્ધાશ્રમોવતી અમારી લાગણી સાથ માંગણી છે કે, વૃદ્ધાશ્રમોને સ્મશાનની માફક વિજબીલમાંથી સંપૂર્ણપણે મુકિત આપવામાં આવે અને વિધાનસભામાં વિધેયક પસાર થાય એ દિશામાં મદદરૂપ થવા ભારપૂર્વકનો અનુરોધ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાના તત્કાલિન અધ્યક્ષ સ્વ.ધીરૂભાઈ શાહના પ્રયત્નોથી રાજયના તમામ વૃદ્ધાશ્રમોને વિજ શુલ્કમાંથી મુકિત મળેલ પરંતુ કમનસીબે છેલ્લા ઘણા સમયથી આવું વિદ્યુત શુલ્ક મુકિત પણ વીજ કંપની દ્વારા બંધ કરવામાં આવી છે કયા કારણોસર આ વિદ્યુત શુલ્ક બંધ કરવામાં આવ્યું છે એની તપાસ કરી આપના દ્વારા જરૂરી સુચના આપવામાં આવે તે માટે વિનંતી કરી છે.

ચેરીટીના ધોરણે ચાલતા વૃદ્ધાશ્રમોની સંખ્યા ખુબ જ મર્યાદિત હોય ગુજરાત સરકારને કોઈ મોટો વિશેષ આર્થિક બોજો સહન કરવો પડે તેમ નથી. તેમજ હાલની સરકાર પ્રજાલક્ષી નિર્ણયો લઈ પ્રજાના હિતોનું રક્ષણ અને જતન કરવા તરફ વધુને વધુ ભાર મુકિત સરકાર છે ત્યારે ગુજરાત સરકારનાં મુખ્યમંત્રી તરીકે આ દિશામાં ત્વરિત કાર્યવાહી થાય એવું યોગ્ય કરવા જણાવ્યું છે. રાજયની સેવાના ધોરણે ચાલતી સંસ્થાઓને પ્રોપર્ટી ટેક્ષમાંથી પણ મુકિત આપવી જોઈએ તેમજ ગ્રામ્ય લેવલે ચાલતી સંસ્થાઓને પણ પંચાયત વેરામાંથી મુકિત આપવી જોઈએ એવી રાજયના તમામ વૃદ્ધાશ્રમોના સંચાલકોની લાગણી સાથ માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.