અનેક મુસ્લિમ લોકોએ સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને ગામ છોડ્યું અને હાલ ગામમાં 70 મુસ્લિમ પરિવાર ભયના ઓથાર નીચે જીવતા હોવાનો દાવો : પોલીસ સતર્ક
2002ના રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના 11 આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને મુક્ત કર્યા પછી આ ઘટના જ્યાં ઘટી હતી તે દાહોદ જિલ્લાના રણધિકપુર ગામમાંથી મુસ્લિમ સમાજના લોકોએ હિજરત કરી હોવાનો દાવો થઈ રહ્યો છે.બીજી તરફ પોલીસે રણધિકપુરમાં સુરક્ષા વધારી દીધી છે.
પોલીસે કબૂલ્યું છે કે કેટલાક લોકો ગામ છોડી ગયા છે. બિલ્કીસ કેસમાં 15 વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ 11 દોષિતોને 15 ઓગસ્ટના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. રણધિકપુરના રહેવાસી શાહરૂખ શેખે જણાવ્યું હતું કે 70 મુસ્લિમ પરિવારો ભયમાં જીવી રહ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો બહાર નીકળી ગયા છે અને અન્ય વિસ્તારોમાં તેમના સંબંધીઓ સાથે રહે છે. વધુમાં તેને ઉમેર્યું કે દોષિતોને મુક્ત કર્યા પછી, તેમના પક્ષમાંથી હિંસાના ડરથી ઘણા લોકોએ ગામ છોડી દીધું છે. અમે જિલ્લા મેજિસ્ટ્રેટને અપીલ કરી છે કે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે અને ગ્રામજનોને સુરક્ષા પૂરી પાડવામાં આવે.” ગ્રામજનોએ કહ્યું કે તેઓ પોતાની સુરક્ષા, ખાસ કરીને મહિલાઓની સલામતી માટે ડરતા હોવાથી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. અને માંગ કરાઈ કે જ્યાં સુધી 11 ગુનેગારોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ પાછા નહીં ફરે.
24 વર્ષીય સુલ્તાના, જે રવિવારે તેની માતા અને બહેન સાથે કોલોનીમાં આવી હતી, જણાવ્યું, છેલ્લા અઠવાડિયાથી સમુદાયમાં ભય છે. કોઈ સીધી ધમકી મળી નથી, પરંતુ દોષિતોની મુક્તિ ઉપર ગામમાં આનંદની લાગણી છવાઈ છે તેને અમારી ચિંતા વધારી છે. જ્યારે તે પેરોલ પર બહાર આવ્યા ત્યારે તે અલગ બાબત હતી કારણ કે અમે જાણતા હતા કે તે આખરે કેદી હતા. પરંતુ હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે દોષિતો રણધિકપુર નજીકના એક ગામના વતની હતા અને તે વિસ્તારમાં હાજર ન હતા, પરંતુ તેઓએ સ્વીકાર્યું કે કેટલાક ગ્રામીણો ગામ છોડી ગયા હતા.
મુક્ત કરાયેલા દોષીતો આ વિસ્તારમાં હાજર નથી : એસપી
દાહોદના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જણાવ્યું હતું કે 11 દોષિતો રણધિકપુર નજીકના સિંગવડ ગામના વતની છે, પરંતુ તેઓ આ વિસ્તારમાં હાજર નથી. 3 માર્ચ, 2002ના રોજ રણધિકપુર ગામમાં સામૂહિક બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. મીણાએ કહ્યું, દોષિતોને 15 ઓગસ્ટે મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત કરાયેલા દોષિતો પોતે આ વિસ્તારમાં હાજર નથી. અમને સ્થાનિકો માટે ડરવાનું અને ભાગી જવા માટે કોઈ કારણ દેખાતું નથી.
ગામમાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે : ડીએસપી
નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) આર. બી. દેવડાએ કહ્યું, સ્થાનિક લોકો સાથે વાત કર્યા પછી, અમે ચોક્કસ સ્થળોએ પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે અને પેટ્રોલિંગ વધાર્યું છે. તેમણે કહ્યું કે કેટલાક ગ્રામીણો તેમના ઘર છોડીને અન્ય શહેરોમાં તેમના સંબંધીઓ સાથે રહેવા ગયા છે. ડીએસપીએ કહ્યું કે પોલીસ રણધિકપુરમાં લોકોના સંપર્કમાં છે અને તેમની ચિંતાઓને દૂર કરી રહ્યા છે.
મુસ્લિમ સમુદાયે દોષીતોની મુક્તિ સામે કલેક્ટરને આવેદન પાઠવ્યું
સોમવારે, દાહોદમાં મુસ્લિમ સમુદાયના સભ્યોએ જિલ્લા કલેક્ટરને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં દોષિતોને મુક્તિ આપવાના રાજ્ય સરકારના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી હતી. મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે નિર્ણય ન્યાય પ્રણાલીની છબી અને સન્માનને કલંકિત કરે છે. સમુદાયના સભ્યોએ જણાવ્યું હતું કે દોષિતોની મુક્તિના વિરોધમાં દેખાવો યોજવા માટે પણ પરવાનગી માંગવામાં આવી છે. બિલ્કિસ મુખ્યત્વે સલામતી ખાતર અને મુલાકાતીઓ દ્વારા અવરોધ ન આવે તે
માટે વસાહતમાંથી બહાર નીકળી ગઈ છે. તેના પતિ યાકુબ રસૂલ પટેલે કહ્યું, બિલ્કિસ પોતાની જાતને મજબૂત કરી રહી છે અને લડવાની તૈયારી કરી રહી છે. તેને પ્રતિજ્ઞા લીધી છે કે તેણી હાર નહીં માને.