કાર્ડ ધારકોએ વેલીડીટી લંબાવવા માટે કોઈપણ વિધિ કરવાની રહેશે નહીં
૧૫ એપ્રીલ સુધીની વેલીડીટીવાળા જિલ્લા કલેકટર દ્વારા ઈસ્યુ કરાયેલા પાસ હવે ૩ મે સુધી ચાલવાના હોવાનું વહીવટી તંત્રએ જાહેર કર્યું છે. વધુમાં કાર્ડ ધારકો જોગ જણાવાયું છે કે, જૂનું કાર્ડ જ યથાવત રહેવાનું છે. જેમાં કોઈ કાર્યવાહી કરવાની કાર્ડ ધારકોએ જરૂર રહેશે નહીં. માટે કચેરીએ આવવાની જરૂર નથી.
૧૫ એપ્રીલ સુધીના લોકડાઉનને ધ્યાને લઈ રાજકોટ જિલ્લામાં ઈમરજન્સી સેવા તેમજ આવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને અવર-જવર કરવા દેવા ઈમરજન્સી પાસ ઈસ્યુ કરી દેવામાં આવ્યા હતા.
આ પાસની વિધિ કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવી રહી હતી. અત્યાર સુધી જે પાસ અપાયા તેની વેલીડીટી ૧૫ એપ્રીલ રાખવામાં આવી હતી.
હવે લોકડાઉન ૩ મે સુધી લંબાવવામાં આવતા જૂની વેલીડીટીવાળા કલેકટરના ઈમરજન્સી પાસની વેલીડીટી પણ લંબાવી ૩ મે સુધી કરી દેવામાં આવી છે. આ અંગે અધિક કલેકટર પરિમલ પંડ્યાએ જણાવ્યું કે, કાર્ડ ધારકોએ વેલીડીટી લંબાવવા માટે કોઈપણ વિધિ કરવાની રહેશે નહીં.
૧૫ એપ્રીલની વેલીડીટીવાળા પાસ ૩ મે સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન લંબાવાતા કાર્ડ ધારકો કાર્ડને રિન્યુ કરાવવા કચેરીએ પહોંચવાની તૈયારીમાં હોય જિલ્લા વહીવટી તંત્રએ કાર્ડ ધારકોને હાલાકી ન પડે તે માટે કોઈપણ કાર્યવાહી વગર પાસને ૩ મે સુધી વેલીડ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આંતર જિલ્લા પરિવહન માટે ગાંધીનગરથી મંજૂરી મેળવવી પડશે
લોકડાઉનના લીધે આંતર જિલ્લા પરિવહન ઉપર તંત્ર દ્વારા બ્રેક લગાવી દેવામાં આવી છે. તેમ છતાં ઘણા ઈમરજન્સી કામો માટે તંત્ર દ્વારા છુટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ આ છુટછાટ આપવાનો અધિકાર આજથી સ્થાનિક તંત્ર પાસેથી છીનવી લેવામાં આવ્યો છે. જેથી હવે આંતર જિલ્લા પરિવહન માટે ગાંધીનગરથી મંજૂરી મેળવવી પડશે. જો કે આ માટેની અરજી સ્થાનિક તંત્રને દીધા બાદ સ્થાનિક તંત્રએ જ ગાંધીનગર તમામ ડોક્યુમેન્ટ પાસ ઓન કરવાના રહેશે.
બાદમાં ગાંધીનગરથી લીલી ઝંડી મળ્યા બાદ જ તંત્ર દ્વારા છુટ આપવામાં આવશે. હાલ સુધી નોખા અનોખા વિવિધ કિસ્સાઓમાં લોકોની આંતર જિલ્લા હેરફેર થોડા વધુ પ્રમાણમાં થઇ રહી હતી. ત્યારે હવે માત્ર ગાંધીનગરથી જ આંતરજિલ્લા પરિવહનને લીલી ઝંડી આપવામાં આવનાર હોય આંતરજિલ્લા પરિવહનમાં ભારે ઘટાડો જોવા મળશે તે નકકી છે.