વડોદરા શહેર-જિલ્લા સહિત રાજ્યની વરસાદી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી. વડોદરા શહેર અને જિલ્લાના આજવા ડેમના ઉપરવાસ હાલોલ, કાલોલ, પાવાગઢમાં પાંચ ઇંચથી વધુ વરસાદ એકીસાથે થવાને કારણે તે પાણી આજવા ડેમમાં આવ્યું છે. ડેમ ઓવરફલો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે. હાલ વિશ્વામિત્રીની જળસપાટી 34.5 ફિટ છે. આના પરિણામે આજવાનું ઓવરફલો પાણી, વિશ્વામિત્રીનું પાણી વડોદરા શહેરમાં ભરાવાથી હાલની આ પાણી ભરાઇ જવાની સ્થિતી સર્જાઇ છે.
વડોદરા માટે NDRFની વધુ પાંચ ટીમ પૂનાથી એરલીફટ કરાશે. લોકોને વીજ કરંટ ન લાગે-જાનમાલને નુકશાન ન થાય તે માટે 304 માંથી 47 વીજ ફિડરો સલામતીના કારણોસર બંધ કરાયા છે. પાણી ઓસરતા ત્વરાએ વીજ પૂરવઠો પૂર્વવત થઇ જશે. વડોદરામાં બચાવ રાહત કામગીરી માટે NDRF, આર્મી, SDRF સુરત-વડોદરાની ફાયર ટીમ તૈનાત છે.