કેબિનમાં આગના કારણે ધુમાડા નીકળવા લાગ્યા, તમામ મુસાફરો સલામત

સ્પાઈસ જેટના એક વિમાનમાં તેની ઉડાન દરમિયાન ધુમાડો જોતા જ ખળભળાટ મચી ગયો હતો. દિલ્હીથી જબલપુર જઈ રહેલું પ્લેન તે સમયે 5000 ફૂટની ઉંચાઈ પર હતું. ત્યારે પ્લેનના ક્રૂએ કેબિનમાંથી ધુમાડો નીકળતો જોયો. ફ્લાઈટની અંદરથી લેવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સીટિંગ એરિયામાં પણ ધુમાડો ફેલાઈ ગયો હતો. મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. સ્પાઈસજેટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિમાનને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા છે. પ્લેનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે.

મહત્વનું છે કે બિહારની રાજધાની પટનામાં સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું છે. રિપોર્ટ મુજબ, આ ફ્લાઈટ ટેક ઑફ થયા પછી એન્જિનમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ આ ફ્લાઈટને પરત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફ્લાઈટમાં સવાર તમામ 185 પેસેન્જર્સ સુરક્ષિત છે. આ ફ્લાઈટના પાઈલટના સમજી વિચારીને લેવાયેલા તાત્કાલિક નિર્ણયના કારણે મોટી દુર્ઘટના ટળી છે. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે દિલ્હી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટના એન્જિનમાં ખામી સર્જાયા બાદ તેનું પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું.

આ ઘટનામાં પણ લોકોએ પ્લેનમાંથી ધુમાડો નીકળતા જોયો હતો. જે અંગે તાત્કાલિક એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી. ત્યારબાદ તાત્કાલિક પટનાથી દિલ્હી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. પટનાથી દિલ્હી જઈ રહેલી આ ફ્લાઈટમાં ટેક ઑફ થતાં જ એન્જિનમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ પાઈલટે તાત્કાલિક આ ફ્લાઈટનું પટના એરપોર્ટ પર સુરક્ષિતરીતે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.