જામનગરના ગુલાબનગરમાં શનિવારની રાત્રે એક યુવાન પર બુકાની બાંધેલા બે શખ્સોએ હુમલો કરી માર માર્યાની અને મુસાફર બેસાડવાની બાબતે ધ્રોલમાં ઈકોના ચાલકને ધોકાવાયાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જ્યારે એક રિક્ષાચાલકને ડીસમીસ ઝીંકવામાં આવી છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા શિવમ્ ચોકમાં દુકાન ધરાવતા શબ્બીર યુસુફશા શાહમદાર તથા ચા-પાનની હોટલ ધરાવતા અબ્દુલભાઈ સુમરાને ત્રણેક મહિના પહેલા તકરાર થઈ હતી જે બાબતે ત્રણેક દિવસ પહેલા બોલાચાલી થઈ થવા પામી હતી તે પછી શનિવારે રાત્રે એક મોટરસાયકલમાં ધસી આવેલા બ્લુ અને સફેદ પટાવાળા ટી-શર્ટ અને ખાખી રંગના ટી-શર્ટ પહેરેલા તેમજ મોઢે રૃમાલ બાંધીને આવેલા બે શખ્સોએ શબ્બીરભાઈ પર હુમલો કરી પાઈપ, છરી વડે માર માર્યો હતો જેની સિટી-બી ડિવિઝનમાં ફરિયાદ કરાઈ છે.
ધ્રોલમાં રહેતા અલ્તાફ નુરમામદ સુધાગુનિયા ગઈકાલે સવારે પોતાની ઈકો મોટરમાં ધ્રોલ બસ સ્ટેન્ડ પાસેથી મુસાફર બેસાડતા હતા ત્યારે ત્યાં આવેલી અમદાવાદ પાસીંગની એક અન્ય ઈકો મોટરના ચાલકે તારી ગાડીમાં બેસેલા મુસાફરોને મારી ગાડીમાં બેસાડી દે તેમ કહી બોલાચાલી શરૃ કર્યા પછી હાથમાં પહેરેલું કડું અલ્તાફના માથામાં ઝીંકતા આ યુવાનને ઈજા થઈ છે. પોલીસે અલ્તાફની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ખોજાનાકા વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા શબ્બીર ઉમરભાઈ ખફી પર શુક્રવારે સાંજે ખોજાનાકાના રિક્ષા સ્ટેન્ડ પાસે સાહીલ ઉર્ફે દેવલો તથા તેના ભાઈ અબુએ ડીસમીસ વડે હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી. પોલીસે શબ્બીરની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.