સુવિધાના અભાવે લોકોને તંત્ર ઉપરથી વિશ્ર્વાસ ઉઠતા બોટાદ-અમરેલી તરફના લોકોએ સુરતની વાટ પકડી!
કોરોના કટોકટી અને કોરોનાના ત્રીજા વાયરામાં નવા દર્દીઓનો દર વિક્રમજનક રીતે વધી રહ્યો છે. તેવા સંજોગોમાં દર્દીઓને દાખલ કરવા માટે પથારી અને ઓક્સિજનના બાટલાની સાથે સાથે વેન્ટિલેટરની ઉભી થયેલી અછતના પગલે દર્દી પોતાના જીવ બચાવવા માટે માત્ર હોસ્પિટલની પથારી મેળવવા જ સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાંથી પથારી મેળવવા લોકો સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં હિજરત કરી રહ્યાં છે. કોરોના સંક્રમીત દર્દીઓનો ફલો રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં આવી રહ્યાં છે અને અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, મોટી સંખ્યામાં તૈયારીઓ આંતર માળખાકીય સુવિધા અને વ્યવસ્થા હોવા છતાં કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે, દર્દીઓને ઓક્સિજનનો બાટલો અને ખાટલો દેવો અશક્ય બની ગયું છે.
સૌરાષ્ટ્રમાં સંક્રમીત દર્દીઓની વિક્રમજનક પરિસ્થિતિને લઈને મોટી 3 હોસ્પિટલોમાં પંડિત દિનદયાલ હોસ્પિટલ ‘સિવિલ રાજકોટ’, જામનગરની જી જી હોસ્પિટલ અને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દર્દીઓ માત્ર મોટા શહેરોમાંથી જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારો અને બીજા જિલ્લાઓમાંથી પણ આવી રહ્યાં છે. આ મોટી હોસ્પિટલોમાં પણ આવનાર તમામ દર્દીઓને દાખલ કરવા શક્ય નથી. દર્દીઓને 2 થી 3 દિવસ અગાઉ તબીબો દ્વારા ઓક્સિજનની જરૂરીયાત અંગે નિર્દેશ આપી દેવામાં આવે છે. 3 દિવસ બાદ ઓક્સિજનની જરૂર પડે તેવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રના લોકો હવે સ્થાનિક હોસ્પિટલોમાં પ્રતિક્ષામાં સમય વિતાવવાના બદલે પોતાના બિસ્તરા-પોટલા બાંધી સુરતમાં વિવિધ જ્ઞાતિ, સંપ્રદાય દ્વારા ઉભા કરવામાં આવેલા કોવિડ સેન્ટરમાં પથારી મેળવવાની આશાએ રવાના થઈ રહ્યાં છે. જ્ઞાતિ-સમાજ અને સાર્વજનિક ધોરણે ઉભા કરવામાં આવેલા કોવિડ સેન્ટરોને સરકારી હોસ્પિટલોનું ભારણ ઘટાડવા કોવિડ સેન્ટરોમાં તબદીલ કરવામાં આવ્યા છે. ભાવનગરના નારી ગામમાં કોરોના પોઝિટિવ મંજુબેન કોશિયા અને તેમના પતિ કુરજીભાઈને સ્થાનિક ધોરણે પથારી ન મળતા 354 કિલોમીટર દૂર સુરત ખાતે કોવિડ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. જેમાં મહિલાની તબીયતમાં સુધારો જોવા મળ્યો છે ત્યારે પતિની પરિસ્થિતિ હજુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ જ રીતે સરકારી અધિકારી વિપુલ પટેલે તેમના બન્ને મોટા ભાઈઓને રાજકોટથી સુરત ખસેડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં મુશ્કેલ પરિસ્થિતિને લઈ મારા મિત્રોના સહકારથી બન્ને ભાઈઓને સુરત મોકલ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિ. ડો.જે.પી.મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે અમદાવાદ હોસ્પિટલ પર રાજ્ય અને શહેર બહારના દર્દીઓનો ભારે ધસારો છે. અમારા પાસે નિશ્ર્ચિત આંકડો નથી પરંતુ સેંકડો કિલોમીટરથી દર્દીઓ અહીં હોસ્પિટલમાં ખાટલો અને વેન્ટિલેટરની આશાએ આવે છે. અમે તમામને ખાટલા મળી રહે તેવી તમામ કોશિષો કરીએ છીએ.
વડોદરામાં આવેલા મધ્યપ્રદેશના રાજગઢના એક પરિવારના 3 સભ્યોને એસએસજી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં વડોદરામાં જ 2000થી વધુ પરપ્રાંતિય લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં 60 થી 70 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દર્દીઓને દાખલ કરવા માટે કતારમાં ઉભા રહે છે. જ્યારે જામનગર કલેકટરે લોકોને જી જી હોસ્પિટલમાં ખાટલા ખાલી ન થાય ત્યાં સુધી દર્દીને ન લાવવા અપીલ કરી છે. બોટાદ જિલ્લાના જલીયા ગામની ગીતાબેન ચકલાસીયાને 2 દિવસ પહેલા લાવવામાં આવ્યા હતા. ડોકટરે કહી દીધુ હતું કે, ઓક્સિજન તૈયાર રાખજો ગમે ત્યારે જરૂર પડશે. મહિલાના પરિવારજનોએ ઓક્સિજન માટે તપાસ કરી પરંતુ ક્યાંય મેળ ન થાય તેમ હોવાથી તેને સુરત લઈ જવાઈ હોવાનું તેના બનેવી નરેશે જણાવ્યું હતું. આવી રીતે 85 વર્ષના ભીખાભાઈને પણ તેના પુત્ર ભરતે સુરત મોકલી દીધા હતા.સુરતમાં ખાનગી ધોરણે કોવિડ સેન્ટર ઉભા થવાની સામાજીક સેવાએ સારૂ પરિણામ ઉભુ કર્યું છે. પાટીદાર, જૈન, મારવાડી, આહિર સમાજ સહિતની વિવિધ જ્ઞાતિ સમુદાય દ્વારા પોતાના મેળે 20 થી 50 ખાટલાઓની વ્યવસ્થા સાથે 10થી વધુ કોવિડ સેન્ટરો ઉભા કર્યા છે જે સૌરાષ્ટ્ર અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશિર્વાદરૂપ બની રહ્યાં છે. સમસ્ત પાટીદાર સમાજના મુખ્ય સંયોજક મનિષ કાપડીયાએ જણાવ્યું હતું કે, દર્દીઓના સગાઓને સુરત હોસ્પિટલમાંથી ઓક્સિજનની જરૂરિયાત અંગે જણાવી દીધા બાદ ખાલી ખાટલાઓ માટેની તપાસ કરવામાં આવે છે અને ખાટલા ખાલી થાય પછી ક્ધફર્મ કરવામાં આવે છે અને હોસ્પિટલમાં દર્દીને ખાટલા નથી મળતા તેમને ખાનગી કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવે છે. અહીં ઘણા લોકોને સારવાર આપવામાં આવી રહી છે. 40 માંથી 14 દર્દીઓ સૌરાષ્ટ્રમાંથી આવે છે. ખાનગી આઈસોલેશન કોવિડ સેન્ટરમાં દર્દીઓની તમામ પ્રકારની સારવાર અને દેખરેખ રાખવામાં આવી રહી છે. અત્યારે સુરતમાં ખાનગી જ્ઞાતિ, સમાજના કોવિડ સેન્ટરો સૌરાષ્ટ્રમાં જે લોકોને ખાટલા નથી મળતા તેવા લોકો માટે આશિર્વાદરૂપ બની રહ્યાં છે.
અગાઉની મહામારીઓમાં જીવ બચાવવા સુરતથી સૌરાષ્ટ્ર તરફ મોટાપાયે હિજરતની પરંપરા રહેતી હતી પરંતુ હવે સમયનો તકાજો બદલાયો હોય તેમ સૌરાષ્ટ્રમાં જે દર્દીઓને ખાટલા, બાટલા અને ઓક્સિજન, વેન્ટિલેટરની જરૂર પડે છે તેવા લોકોને જરાપણ વિલંબ ર્ક્યા વગર જીવ બચાવવા સુરત તરફ હિજરત કરી ર્હયાં છે.