ભારત અને યુએઇ વચ્ચે મુક્ત વેપાર કરાર
બન્ને દેશો વચ્ચે વાર્ષિક 7.5 લાખ કરોડનો વેપાર થવાની ધારણા: ભારતમાં 5 લાખ અને યૂએઈમાં 1 લાખ રોજગારીનું સર્જન થશે
અબતક, નવી દિલ્હી
ભારત અને સંયુક્ત આરબ અમીરાતએ શુક્રવારે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ઓછામાં ઓછી 80% ચીજવસ્તુઓ યુનાઇટેડ આરબ અમિરાતને જકાત મુક્ત નિકાસ કરવામાં સક્ષમ બની જશે. કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ હેઠળ ખાડી દેશમાં ભારત આગામી બે વર્ષમાં વધારાના બે અબજ ડોલરના કાપડની નિકાસ કરવા સક્ષમ હશે અને પ્લાસ્ટિકની નિકાસ ત્રણ ગણી કરી શકશે. આ સંધિનો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને હાલના 4.5 લાખ કરોડથી વધારીને 7.5 લાખ કરોડે લઇ જવાનો છે. તેનાથી ભારતના જેમ્સ અને જ્વેલરી, ટેક્સટાઈલ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઈસ, ઓટોમોબાઈલ, લેધર, સ્પોર્ટ્સ સામાન અને ફર્નિચર સેક્ટરમાં પાંચ લાખથી વધારે રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે. તો યુએઇમાં પણ લગભગ એક લાખ નોકરીઓનું સર્જન થવાની ધારણા છે.
ભારત ખાડી દેશોમાં મરી-મસાલા, ચીઝ, કેટલાંક ઓર્ગેનિક કેમિકલ્સ અને પેપર પ્રોડક્ટ્સ માટે જકાત મુક્ત બજાર મેળવવા માટે ઉત્સુક છે. યુએઈમાં રમતગમતના સામાન અને ફર્નિચરની નિકાસને પણ શૂન્ય જકાતની અક્સેસ મળી શકે છે જ્યારે ભારતની પ્લાસ્ટિકની નિકાસ હાલની લગભગ 41.8 કરોડ ડોલર વધીને 1.3 અબજ ડોલરની થઇ શકે છે.
ઉદ્યોગ જગતે વોશિંગ મશીન, એસી, રેફ્રિજરેટર્સ, મસાલા, તમાકુ, સુતરાઉ કાપડ, ટેક્સટાઇલ અને લેધર સહિત લગભગ 1,100 પેદાશોને ઓળખી કાઢી છે જેની નિકાસ વધારવા માટે માંગે છે. કોરોના મહામારીને કારણે વર્ષ 2020-21માં નિકાસ ઘટીને 1.18 અબજ ડોલરની રહી હોવાથી ઉદ્યોગ જગતે ભારતમાંથી યુએઈ ખાતે સોના- ચાંદી અને પ્લેટિનમ જ્વેલરીની નિકાસ પર પાંચ ટકા આયાત જકાત નાબૂદ કરવાની માંગ કરી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, યુએઈએ લાંબા સમયથી ચાલી રહેલી માંગને સ્વીકારીને ભારતમાંથી પોલ્ટ્રી પેદાશોની આયાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલ અને યુએઇના નાણા પ્રધાન અબ્દુલ્લા બિન તુક અલ મારીએ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ વેપાર કરાર પર વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને પણ ભાગ લીધો હતો.
કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ મીડિયાને સંબોધતા ગોયલે કહ્યું કે આ એક વ્યાપક અને સંતુલિત વેપાર કરાર છે. ગોયલે કહ્યું, “આનાથી બંને પક્ષો માટે વેપારની વિશાળ તકો ઊભી થશે. આ કરાર અમારા દ્વિપક્ષીય વેપારને બમણો કરવામાં મદદ કરશે. આ કરાર માર્કેટ એક્સેસ વધારવામાં અને ટેરિફ ઘટાડવામાં મદદ કરશે.
મોદી સરકારનું 5 ટ્રીલિયન ઇકોનોમી તરફનું સૌથી મહત્વનું પગલું
મોદી સરકાર વર્ષ 2024માં ઇકોનોમી અને ટેરેરીઝમ આ બે મુદા ઉપર 400 બેઠકો મેળવવાની યોજના ધરાવે છે. જે સંદર્ભે ઇકોનોમીને 5 ટ્રીલિયન સુધી પહોંચાડવા સરકાર કમર કસી રહી છે. જેમાં દુબઇ સાથે ડ્યુટી ફ્રીનો કરાર સૌથી વધુ મહત્વ ધરાવે છે. સરકારનું આ પગલું ઇકોનોમીને બુસ્ટર ડોઝ આપવાનું છે.
રાજકોટના બોલ-બેરિંગ,જામનગરના બ્રાસ પાર્ટ અને મોરબીના સિરામિક ઉદ્યોગને બખ્ખા થશે
યૂએઇ સાથે ટ્રેડ ફ્રી એગ્રીમેન્ટથી સૌરાષ્ટ્રને ઘણો લાભ થવાનો છે. ખાસ કરીને રાજકોટના બોલ- બેરિંગ ઉદ્યોગ, જામનગરના બ્રાસ પાર્ટ અને મોરબીના સિરામિક ઉદ્યોગને આ કરારથી અનેક લાભ થવાના છે. આ ઉદ્યોગોને વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરવામાં ડ્યુટીનો પ્રશ્ન નડતો હતો. હવે યુએઈમાં તેઓ નિકાસ કરી તે દેશમાં સરળતાથી નિકાસ કરી શકશે.
શ્રમ આધારિત ઉદ્યોગો માટે વિપુલ તકો ઉભી થશે
ભારતમાં શ્રમ આધારિત ઉદ્યોગોને આનો લાભ મળશે. ખાસ કરીને જેમ્સ અને જ્વેલરી, કાપડ, ચામડા, ફૂટવેર, રમતગમતનો સામાન, ફર્નિચર, કૃષિ અને લાકડાના ઉત્પાદનો, એન્જિનિયરિંગ સામાન, ફાર્માસ્યુટિકલ અને તબીબી ઉપકરણો અને ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રો વાયા દુબઇ વિશ્વભરમાં છવાઈ શકશે.
ગિફ્ટ સિટીને હોંગકોંગ અને સિંગાપોરની અવેજી બનાવવાનો લક્ષ્યાંક
સરકારે ગાંધીનગર પાસે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી એટલે કે ગિફ્ટ સિટીનું નિર્માણ કર્યું છે. આ ભારતનું સૌપ્રથમ સ્માર્ટસિટી છે. આ ગિફ્ટ સીટીને વિશ્વ કક્ષાનું વેપાર મથક બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. હાલ હોંગકોંગ અને સિંગાપોર જેમ વિશ્વના ટોચના વેપાર મથક છે. ગિફ્ટ સીટીને તેની અવેજી બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.
દુબઈમાં કઈ નથી, છતાં વેપાર મથક કેમ બન્યું ?
દુબઇમાં આમ તો કઈ નથી. છતાં ત્યાંનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વિશ્વનું અવ્વલ દરજ્જાનું છે. આ ઉપરાંત તે વિશ્વનું ટોચનું વેપાર મથક છે. આની પાછળનું કારણ એ છે કે દુબઇએ વેપાર માટે ઘણી છૂટછાટો રાખી છે. ખાસ કરીને તેમાં ડ્યુટી ઉપર મુક્તિ આપવામાં આવી છે. ત્યારે હવે પ્રશ્ન એ થાય કે સરકાર વેપાર ઉપર કોઈ ડ્યુટી નથી લેતી તો આવક ક્યાંથી મેળવે છે ? આની પાછળનું કારણ એ છે કે દુબઇમાં વિશ્વના બીજા દેશોમાંથી આવેલા લોકો વ્યાપાર કરે છે. બીજા દેશના લોકોએ ત્યાંના વ્યક્તિ સાથે ભાગીદારી કરવી પડે છે. બહારથી આવેલો વ્યક્તિ ત્યાં મિલકત લઈ શકતો નથી.આ વ્યક્તિ રહેવા માટે જે ભાડા ખર્ચે તેની આવક સરકારને થાય છે. ઉપરાંત તેના ભાગીદાર એવા મૂળ નાગરિકને તે નફાનો ભાગ આપે તેનો પણ સરકારને આવકવેરામાંથી ફાયદો થાય છે.