સાળંગપુર વિવાદ બાદ તામિલનાડુનો વિવાદ ચાલુ થતા ડીએમકે અને કોંગ્રેસ માટે કપરા ચઢાણ : ભાજપ ગેલમાં
ધર્મના નામે રોટલા શેકતા લોકો દેશ માટે જોખમી બન્યા છે. દેશમાં એક પછી ધર્મના વિવાદો સામે આવી રહ્યા હોય રાજ્કીય આલમમાં પણ કયો વિવાદ ફાયદો કરાવશે અને કયો નુકસાન, તેના સરવૈયા થવા લાગ્યા છે.
તાજેતરમાં સાળંગપુર હનુમાન મંદિર ખાતે થોડા સમય પહેલા હનુમાન દાદાની 54 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ બાદ ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. લોકો હનુમાનજીની ઊંચી પ્રતિમા જોઈ ભાવ વિભોર થઈ ગયા હતા. પરંતુ કેટલાક દિવસો બાદ હવે કોઈનું ધ્યાન આ મૂર્તિની નીચે રાખવામાં આવેલા ભીંતચિત્રો પર ગયું અને તેણે તેના ફોટો પાડી સોશિયલ મીડિયા પર શેર કર્યા. ત્યારબાદ આ વિવાદ વકર્યો છે.આ ભીંતચિત્રોમાં એકમાં સ્વામિનારાયણ ભગવાન ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય એક ભીંતચિત્રમાં એક સહજાનંદ સ્વામિ આસન પર બેઠાં હોય તેવું પણ દેખાય છે. જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. જેને પગલે સાધુઓ તેમજ હિન્દૂ સંગઠનોમાં રોષ વ્યાપી ગયો છે. આ વિવાદ હજુ સમ્યો નથી. ત્યાં તામિલનાડુમાં નવો વિવાદ જન્મ્યો છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપતાં હોબાળો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ સહિત અનેક લોકો ઉદયનિધિના નિવેદન સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે સનાતનનો ફક્ત વિરોધ ન કરવો જોઈએ પણ તેને સમાપ્ત જ કરી દેવો જોઈએ. ઉદયનિધિએ શનિવારે સનાતન ઉન્મૂલન સંમેલનમાં કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. અમુક વસ્તુઓનો વિરોધ ન કરી શકાય, તેને ખતમ જ કરી દેવા જોઈએ. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મલેરિયા કે કોરોનાનો વિરોધ ન કરી શકીએ, આપણે તેને ડામવા પડશે. એ જ રીતે સનાતનને પણ સમાપ્ત જ કરવો પડશે.
તમિલનાડુમાં સત્તાધીશ મુખ્યમંત્રી સ્ટાલિનના દીકરા ઉદયનિધિએ કહ્યું કે સનાતન નામ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તે સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. ઉદયનિધિના નિવેદન સામે ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ કહ્યું કે ઉદયનિધિ સ્ટાલિને દેશની 80 ટકા વસતીના નરસંહારનું આહ્વાન કર્યું છે. જોકે તેના જવાબમાં ઉદયનિધિએ કહ્યું કે મેં કોઈ નરસંહારની વાત કરી નથી. હું મારા નિવેદન પર કાયમ છું. હું ફક્ત હાંશિયામાં ધકેલાયેલા સમુદાયો તરફથી વાત કરી રહ્યો છું જે સનાતન ધર્મને કારણે પીડિત છે. ઉલ્લેખનીય છે કે તામિલનાડુના આ વિવાદથી ડીએમકે અને કોંગ્રેસ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ ગેલમાં આવી ગયું છે.