માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણીની માંગણી

ગુજરાત રાજયમાં પ્રવર્તમાન તમામ સહકારી સંસ્થાઓમાંથી બોગસ મંડળીને સભાસદેથી દુર કરવા માણાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને ખેડુત આગેવાન અરવિંદભાઈ લાડાણીએ સહકાર મંત્રી તથા સંબંધિત વિભાગને પત્ર લખી જોરદાર માંગણી ઉઠાવી છે. લાડાણીએ પત્રમાં જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં ગુજરાતમાં જિલ્લા સહકારી બેન્ક, જિલ્લા ખરીદ-વેચાણ સંઘ, જિલ્લા સહકારી સંઘ, તાલુકા ખરીદ-વેચાણ સંઘ, દુધ ઉત્પાદક સંઘો તથા માર્કેટીંગ યાર્ડોમાં જે સભાસદો હોય છે તેને જે-તે સંસ્થા સભાસદ બનાવતી હોય છે. તેમાં અલગ-અલગ સંસ્થાના અલગ પેટા નિયમો ઘડીને આવા સભાસદો બનાવાતા હોય છે જેને કારણે આપણે જો સહકારી બેન્ક તરફ જોઈએ તો ખ્યાલ આવશે કે, બેન્કોમાં આજે ફળફળાદિ મંડળી, તાલુકા કક્ષાની જીનીંગ મંડળી, મજુર સહકારી મંડળી.

જિલ્લા કક્ષાની આવી મંડળીઓ કે જેનું કાર્યક્ષેત્ર બિલકુલ ન હોય પરંતુ વગને જોરે સભાસદ બની જતા તે ચુંટણીમાં ભાગ લે છે અને કાર્યક્ષેત્ર વગરની બંધ પડેલ પેલામાં દફતરવાળી મંડળીના પ્રતિનિધિઓ સંસ્થામાં ડિરેકટર બની જાય છે અને પછી આવા ડિરેકટરો બેન્કને દેવામાં ડુબાડી દે છે. હકિકતે સહકારી બેન્ક ખેડુતોની જ બેન્ક છે તો બેન્કમાં ડિરેકટર તરીકે પાક ધિરાણ કરતી હોય તે જ સહકારી મંડળીઓને જ ડિરેકટર તરીકે ચુંટવા જોઈએ. હાલમાં બેન્કમાં અ, બ, ક, ડ અને ઈ જેવા જુથો બનાવી અલગ-અલગ કેટેગરી નકકી કરી, કાવાદાવા કરી બેન્કમાં ડિરેકટરોને ચુંટવામાં આવે છે. જે સંસ્થા બેન્કની સાથે કોઈપણ પ્રકારનો વહિવટ જ ન કરતી હોય અને તેના પ્રતિનિધિ ચુંટાય છે ને એ બેન્કનો વહિવટ કરે છે. આ વાત લોકશાહીમાં કેટલે અંશે વ્યાજબી ગણાય ? આવી બોગસની વ્યાખ્યામાં આવતી મંડળીઓ રાજકીય આગેવાનોની જ હોય છે જે સરકારનો ઉપયોગ કરી જયારે મગફળી, તુવેર, ઘઉં જેવી ખેતપેદાશોની ખરીદવાની વાત આવે ત્યારે તેમાં પોતાની મંડળીઓને ખરીદી માટે ગોઠવીને મોટા ભ્રષ્ટાચાર કરે છે જે અગાઉના વર્ષોમાં બનવા પામેલ છે માટે આવી નીતિ-રીતિને તિલાંજલિ આપી બોગસ મંડળીઓની નોંધણી રદ કરી ખેડુતોના હિતમાં નવી મંડળીની રચના કરવાની નીતિ ઘડવા લાડાણીએ મુખ્યમંત્રીને જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.