આફતને અવસરમાં પલટવાની તક
ડિજિટલ માર્કેટિંગ થકી ગ્રાહકો સુધી પહોંચી વેપાર વધારવા વેપારીઓ સજ્જ
કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવાયું હતું જેના કારણે તમામ ઉધ્યોગ ધંધાઑ ઠપ્પ થયા હતા. સતત આશરે ૩ મહિના સુધી તમામ ઉધ્યોગ ધંધા બંધ અવસ્થામાં રહેતા ભારે મંદીની ભીતિ સેવાઇ રહી હતી. તેવા સંજોગોમાં સૌથી વધુ મંદી ઇલેક્ટ્રોનિક્સ બજારમાં આવવાની શક્યતાઓ સેવાઈ રહી હતી. ઇલેક્ટ્રોનિક્સ બજારની સૌથી વધુ વેચાણની સિઝન લગ્નગાળો માનવામાં આવે છે જે સમયે લોક ડાઉન હોવાને કારણે ભારે નુકસાની સર્જાઈ હતી. પરંતુ જે રીતે ઉધ્યોગ ધંધા શરૂ થયા અને લોકોએ સોખથી નહીં પરંતુ જરૂરિયાતને ધ્યાને રાખી ખરીદી શરૂ કરી છે. જેના પરિણામે બજારમાં હકારાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે.
બજારમાં હકારાત્મક અભિગમ તો આવ્યો છે પરંતુ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં ઉપયોગમાં લેવાતા અમુક મહત્વપૂર્ણ પાર્ટસની ફરજિયાતપણે આયાત કરવી પડતી હોય છે જેના કારણે પ્રોડક્શન જે ક્ષમતાથી થવું જોઈએ તેમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હાલ આયાત પ્રભાવિત હોવાથી પ્રોડકશનમાં અસર જોવા મળી રહી છે જેથી ડીમાંડ અને સ્પ્લાયનો રેશિયો જાળવી રાખવા તમામ કંપનીઓ તૈયારી કરી રહી છે.
અગાઉ જે રીતે લોકો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ખરીદવા રૂબરૂ જઈને પસંદગી કરી ખરીદી કરતા હતા તેમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. હાલના સમયમાં લોકો બને તેટલું બિનજરૂરી ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. જેથી વધુ પડતા ગ્રાહકો ઓનલાઇન ડિજિટલ મીડિયાના માધ્યમથી જ તેમની જરૂરિયાત પ્રમાણેની પ્રોડકટ પસંદ કરી ફોન અથવા ડિજિટલ મીડિયાના માધ્યમથી જ તેમની આસપાસની દુકાનેથી ખરીદી કરી રહ્યા હોય તેવું પણ જાણવા મળ્યું છે. જેથી ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ પણ હાલ ડિજિટલ માર્કેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ડિમાન્ડ – સપ્લાયનો રેશિયો જાળવી રાખવા આયોજનબદ્ધ પગલાંઓ લેવાયાં: રાજુભાઇ પટેલ
કિરણ ઇલેક્ટ્રોનિક્સના માલિક રાજુભાઇ પટેલે કહ્યું હતું કે ધીમેધીમે બજાર શરૂ થઈ રહી છે. લોકો ખરીદી માટે ઘરની બહાર નીકળવા લાગ્યા છે. તેમાં પણ હવે ક્યાંક ડિજિટલ ખરીદીનો વ્યાપ વધી રહ્યો છે. લોકો સ્ટોર ખાતે આવવાને જગ્યાએ હવે ઘરે બેઠા તેમના ઘરની આસપાસની દુકાનમાંથી ઘરે બેઠા ડિજિટલી ખરીદી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. હોમ એપ્લાયન્સની તમામ ચીજ વસ્તુઓ કે જેની અગાઉ ખરીદી ખૂબ જ ઓછી અથવા તો એવું પણ કહી શકાય કે જે પ્રોડક્ટ્સનું અગાઉ ડિમાન્ડ નહિવત હતી તેની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આયાતી પાર્ટ્સની તંગીને કારણે જે પ્રોડક્શનની ચેઇન ખોરવાઈ હતી તેના કારણે ક્યાંક સપ્લાયને પણ અસર પહોંચી હતી પરંતુ હવે એ સમસ્યા સર્જાય નહીં તેના માટે અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ. એક અથવા અન્ય યુનિટ ખાતેથી અમને માલ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ડીમાંડ અને સપ્લાયનો રેશિયો જાળવી રાખવા અમે આયોજનપૂર્વક આગળ વધી રહ્યા છીએ.
ઇલેક્ટ્રોનિક્સ બજારની ગાડી પાટે ચડવા લાગી: શમશેરસિંઘ
શાહિબ ઇલેક્ટ્રોનિક્સના માલિક શમશેરસિંઘે કહ્યું હતું કે લોક ડાઉન બાદ ઇલેક્ટ્રોનિક્સ બજારની ગાડી પાટે ચડવા લાગી છે. હાલના સમયમાં હોમ એપ્લાયન્સના સાધનોની જરૂરિયાત વધી છે જે વાત લોકો સમજતા થયા છે. ઓનલાઇન શિક્ષણ શરૂ થવાથી ટીવી, ઘરકામ માટે વેક્યુમ ક્લીનર, વોશિંગ મશીન, ડિશ વોશર, બહાર જમવા નહીં જતા હોવાથી માઇક્રોવેવ ઓવેન સહિતના ઉપકરણોની ખરીદી વધી છે. જે રીતની ભીતિ સેવાઇ રહી હતી તેટલી નુકસાની હાલ દેખાતી નથી. જે ભારે મંદીનો ડર લાગી રહ્યો હતો તેવી મંદી મારા મત મુજબ આવી નથી. લોકોની માનસિકતા બદલાઈ રહી છે. હવે લોકો ફિજીકલી આવવાની જગ્યાએ ડિજિટલ મીડિયાના માધ્યમથી ખરીદી કરી રહ્યા છે. હાલ પ્રોડકશન અમુક જગ્યાએ ખોરવાયું છે તેમાં શંકાને સ્થાન નથી પરંતુ હાલ પ્રોડક્શનની સ્થિતી જાળવવા અમે સતત પ્રયત્નો કરી રહ્યા છે અને હવે પ્રોડક્શન ખોરવાશે નહીં તેવું પણ ચોક્કસ લાગી રહ્યું છે. દિવાળી પહેલા જ ખરીદી વધશે. દિવાળીએ તો ખરીદી થશે જ પણ તે પહેલાં પણ ખરીદી સારી જ રહેશે.
લોકો ઘરે બેઠા ઓનલાઇન ખરીદી કરતા થયા: કબીરસિંઘ
સિમરન ઇલેક્ટ્રોનિક્સના સ્ટોર મેનેજર કબીરસિંઘે કહ્યું હતું કે અગાઉ સમગ્ર ડોવસ દરમિયાન અમારે ત્યાં ખૂબ જ ગ્રાહકોનો ધસારો રહેતો હતો જે લોક ડાઉન બાદ થોડા સમય માટે ખોરવાયું હતું. હજુ પણ ગ્રાહકો ઓછા આવે છે પણ હવે લોકોની માનસિકતા બદલાતા હવે અમે લોકો સુધી ડિજિટલી પહોંચી રહ્યા છીએ અને લોકો પણ અમારા સુધી ડિજિટલી પહોંચવાનો જ આગ્રહ રાખી રહ્યા છે. વરસાદ આ વર્ષે ખૂબ સારો રહ્યો છે, જેથી વરસાદ સહિતના મુદ્દા ધ્યાને લેતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પરિસ્થિત સારી રહેશે. તેમણે કહ્યું હતું કે હાલ મને ચોક્કસ લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં બજાર હકારાત્મક જ રહેશે અને જે મંદીની ભીતિ સેવાઇ હતી તેવુ હાલ ખૂબ ઓછું છે. મને હાલ એવુ લાગે છે કે ટૂંક સમયમાં જ જે મંદી આવી હતી તે કવર થશે અને આશરે ૨૦% જેટલી જ ખોટ પડશે અને તે પણ આવતા વર્ષમાં દૂર થશે. અમે હાલ નવી નવી ટેકનોલોજી લાવીને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
બજારમાં હકારાત્મક અભિગમ, મુશ્કેલીઓનો સામનો કરીને પણ સારો વેપાર થશે: પ્રાંશુ જૈન
એલજીના બ્રાન્ચ મેનેજર પ્રાંશુ જૈને અબતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલ ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ સતત પ્રગતિ તરફ જઇ રહ્યું છે. બજારમાં તમામ પેરામીટર્સને ધ્યાને રાખીને આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે લોક ડાઉન થયું અને તેના કારણે ઉદ્યોગ ધંધા બંધ થયા અને જે સમયે લોક ડાઉન અમલી બન્યું તે સમયગાળો ઇલેક્ટ્રોનિક્સ બજાર માટે મહત્વપૂર્ણ સમય હતો કેમકે તે સમયગાળા દરમિયાન લગ્નગાળો ગોય છે અને આ સમયે ખૂબ વધુ એટલે કે આસગરે બમણી ખરીદી થતી હોય છે પરંતુ આ સમગ્ર સમય લોક ડાઉનમાં વીત્યો જેના કારણે ભારે મંદીની ભીતિ સેવાઇ રહી હતી. જે રીતે બજાર ખુલી, લોકોની માનસિકતા બદલાઈ જેના પરિણામે હાલ ખરીદી સામાન્ય દિવસોમાં હોય તે પ્રકારે જ થઈ રહી છે. પ્રોડક્શન ક્ષેત્રે ચોક્કસ અમુક પાર્ટ્સ આયાત થતા હતા જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓ છે પરંતુ હવે એ પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે ધારો કે એલજીનું એક મેન્યુફેક્ચરિંગ યુનિટ એક અથવા બીજા કારણોસર બંધ હોય તો અન્ય યુનિટ ખાતેથી ફિનિશ ગૂડ્સ મળી રહે જેથી બજારમાં તંગી સર્જાય નહીં. આ બાબતથી તમામ ડીલર અને ડિસ્ટ્રિબ્યુટર પણ સમજણ કેળવી સારી રીતે સ્ટોક મેન્ટેનન્સ કરી રહ્યા છે. ડિમાન્ડ અને સપ્લાયની ચેઇન જાળવી રાખવા કંપની અને વેપારીઓ બંને કટીબદ્ધ છે અને જે રીતે તમામ પાસાઓ જોવા માલી રહ્યા છે તેના પરથી કહી શકાય કે બજારમાં ટૂંક સમયમાં હકારાત્મક અભિગમ આવશે. તમામ બાબતોને ધ્યાને રાખીને હાલ એવું કહી શકાય કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇલેક્ટ્રોનિક્સ બજાર દિવાળીએ દિવાળી ઉજવશે.
અગાઉ શોખ પ્રમાણે થતી ખરીદી હવે જરૂરિયાતમાં પરિવર્તિત થઈ: અનિષભાઈ શાહ
શ્રી ઇલેક્ટ્રોનિક્સના માલિક અનિશભાઈ શાહે કહ્યું હતું કે લોક ડાઉન બાદ અનેકવિધ પરિવર્તન આવ્યા છે. વડાપ્રધાને જે આત્મનિર્ભરનું સૂત્ર આપ્યું હતું તેના કારણે મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સૂત્ર સાથે ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે. અગાઉ અનેકવિધ પાર્ટ્સ આયાત થતા હતા પરંતુ હવે આયાત બંધ થવાના કારણે તમામ વસ્તુઓ અહીં જ બને છે અને ત્યારબાદ બજારમાં આવે છે જેથી અમુક અંશે પ્રોડક્શનને અસર થવા પામી છે જેથી ગ્રાહકોને વેઇટિંગ પિરિયડનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ ગ્રાહક તરત જ ઉપકરણો મેળવી શકતા હતા જેની સામે હાલ ઓર્ડર આપ્યા બાદ આશરે એક સપ્તાહ બાદ તેમને ડિલિવરી મળે છે. હાલ ગ્રાહકો આરોગ્યને ધ્યાને રાખીને ખરીદી કરી રહ્યાં છે. ઘરમાં અગાઉ કામવાળા બેન આવતા જેની જગ્યાએ હવે માઇક્રોવેવ ઓવેન, ડિશ વોશર, વેકયુમ ક્લીનર, વોશિંગ મશીન સહિતના ઉપકરણોની ખરીદી વધુ થઈ રહી છે.તેમણે કહ્યું હતું ગ્રાહકો અગાઉ દિવાળી જેવા તહેવારોમાં ખરીદી કરવા ટેવાયેલા હતા પરંતુ આ વર્ષે એવું પણ બને કે તેઓ જ્યારે ખરીદી કરવા ઇચ્છતા હોય ત્યારે ઉપકરણ ઉપલબ્ધ નહીં હોય તો રાહ જોવી પડશે જેથી અમે અપીલ કરીએ છીએ કે આપ દિવાળીની રાહ જોવાને બદલે હાલ જ ખરીદી કરી લો અને બની શકે કે દિવાળી સુધીમાં ભાવ પણ ઊંચા જાય. તેમણે કહ્યું હતું કે હાલ જે અસર પ્રોડકશનમાં પડી છે તે સામાન્ય થતા આશરે એક થી દોઢ વર્ષ લાગી શકે છે. તેમણે અંતે ઉમેર્યું હતું કે અગાઉ જે રીતે લોકો શોખ તરીકે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી કરતાં હતા તેની જગ્યાએ હવે લોકો જરૂરિયાત પ્રમાણે ખરીદી કરતાં થયા છે જેથી બજારમાં હકારતમ્ક અભિગમ દેખાઈ રહ્યું છે.