અનેક ધાતુઓની જરૂરિયાત ઇ-વેસ્ટ સંતોષવા સક્ષમ
આજે 21મી સદીના આધુનિક યુગમાં દરેક ફેસિલિટિ હાથની આંગળીના ટેરવે આવી ગઈ છે. વધતી જતી સુખ સગવડોની સાથે સાથે તેની મશીનીરી ઈલેક્ટ્રિકથી લઈને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ આજે ઘરે ઘરે અસંખ્ય માત્રામાં જોવા મળે છે. જો કે આ વસ્તુ ખરાબ થાય ત્યારે તેને નષ્ટ કરવાનો પણ બહુ મોટો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. પણ આ કચરો એ સોનાની ખાણથી કઇ ઓછો નથી.
નવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવા માટે મોબાઈલ ફોન જેવા ઈલેક્ટ્રોનિક સાધનોને રિસાઈકલ કરી શકાય છે. જૂના ફોન અથવા લેપટોપને આડેધડ રીતે ફેંકી દેવાને બદલે, નિયુક્ત સ્થળોએ તેનો નિકાલ કરવાથી નિષ્ણાતોને તેમાંથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક ધાતુઓ મેળવવામાં મદદ મળી શકે છે. આનો ઉપયોગ ફક્ત નવા ફોન અથવા લેપટોપ બનાવવા માટે જ નહીં, પરંતુ આવી સિસ્ટમ કેટલીક ધાતુઓની ખાણ કરવાની જરૂરિયાતને ઘટાડશે.
દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ દ્વારા બહાર પાડવામાં આવેલા 2015ના સંશોધન પેપર મુજબ, એક ટન મોબાઈલ ફોનના કચરામાં 3,573 ગ્રામ ચાંદી, 368 ગ્રામ સોનું અને 287 ગ્રામ પેલેડિયમ મળે છે. વિશ્વ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર સારી-ગુણવત્તાવાળી મોટા કદની ભૂગર્ભ ખાણમાં પ્રત્યેક ટન ખનનમાંથી માત્ર 8-10 ગ્રામ સોનું મળે છે, આમ ખાણકામ કરતા ઇવેસ્ટમાંથી સરળતાથી સોનુ મળી જાય છે.
આમ ઇલેક્ટ્રીનીક્સ કચરાને રિસાયક્લિંગ કરવું એ સોનાની ખાણ બની શકે છે. ગ્લોબલ ટેક માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટ અનુસાર વૈશ્વિક ઈ-વેસ્ટમાં સ્માર્ટફોનનો ફાળો 12% છે. પરંતુ ઈ-વેસ્ટમાં લેપટોપ અને ઈલેક્ટ્રિક વાહનોની બેટરીનો પણ સમાવેશ થાય છે.
જેટલુ રિસાયકલ ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત થઈ જશે એટલી જ ખાણો પણ ઓછી થઈ જશે. કારણકે ઇ વેસ્ટ અનેક ધાતુઓની માંગ સંતોષી શકે તેમ છે. ખાણકામની પ્રવૃત્તિ જેટલી ઓછી થાય તેટલુ જ પર્યાવરણને નુકસાન ઓછું થઈ શકે તેમ છે. માટે ઇ વેસ્ટ એ આવતા દિવસનું ખુબ મોટું ક્ષેત્ર છે. જો કે આ વાતને બરાબર રીતે જાણતા ઘણા પારખું લોકોએ તો અત્યારથી જ સ્ટાર્ટઅપ શરૂ કરી દઈને ઇવેસ્ટ ક્ષેત્રે ઉંચી ઉડાન ભરવાની તૈયારી કરી લીધી છે.