એરપોર્ટ ઓથોરીટીની કલેકટર કચેરીએ મળેલી બેઠકમાં અધિકારીઓએ વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરી: આજે ગાંધીનગરમાં બેઠક
હિરાસર એરપોર્ટ મુદ્દે જિલ્લા કલેકટર કચેરી ખાતે ગઈકાલે એરપોર્ટ ઓથોરીટીની બેઠક મળી હતી. જેમાં ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં એરપોર્ટની જગ્યાએ રહેલી ઈલેકટ્રીક લાઈન અને વૃક્ષો હટાવવાની તજવીજનાં નિર્દેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ નજીક હિરાસર એરપોર્ટ માટે જિલ્લા વહિવટીતંત્રએ જમીન ફાળવ્યા બાદ એરપોર્ટનાં નિર્માણનું કામ પણ ટુંક સમયમાં શરૂ થવાનું છે. આ પૂર્વે જરૂરી ચર્ચા-વિચારણાઓ માટે કલેકટર કચેરી ખાતે ગઈકાલે એરપોર્ટ ઓથોરીટીની બેઠક મળી હતી જેમાં દિલ્હીથી ખાસ નિયુકત કરેલા ટેકનિકલ ઓફિસર, રેવન્યુ વિભાગનાં અધિકારી અને અધિક જિલ્લા કલેકટર પરીમલ પંડયા ઉપરાંત ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
એરપોર્ટ માટે નકકી થયેલી જગ્યા ઉપર હાલ ઈલેકટ્રીક લાઈન તેમજ વૃક્ષો આવેલા છે. આ મુદ્દે જરૂરી ચર્ચા-વિચારણા કરી વૃક્ષો અને ઈલેકટ્રીક લાઈન હટાવવાની કાર્યવાહીનાં નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા. હિરાસર એરપોર્ટ મુદ્દે આજે ગાંધીનગરમાં પણ બેઠક યોજવાની હોવાનું જાણવા મળ્યું છે.