બેલડા ગામે મંત્રી બાવળીયાની ઉપસ્થિતિમાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજાઇ
રાજયના પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે વિંછીયા તાલુકાના બેલડા ગામની મુલાકાત લઈ પી.જી.વી. સી.એલ.ના અધિકારીઓ સાથે બેઠક યોજી વીજ વિતરણની કામગીરીની સમિક્ષા કરી હતી.
મંત્રી બાવળીયાએ જયોતિગ્રામ હેઠળ આવતા કામો સુચારૂ રૂપે પૂર્ણ કરી ગ્રામ્ય કક્ષાએ ચોમાસાના સમયમાં સાતત્યપૂર્ણ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે વિજપ્રવાહને કારણે થતા અકસ્માતો નીવારી શકાય માટે વિજ વિતરણ માટેના વિજપોલ સલામત સ્થળે ઉભા કરવા તથા જુના વિજરેષાઓ બદલાવી નવા વિજરેષાઓ નાંખવા બાબતે પણ જણાવ્યું હતુ.
બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને જયોતિગ્રામ હેઠળ ફાળવાયેલ ગ્રાંટમાંથી સીમશાળાના વિજળીકરણ અંગેની વિગતવાર માહિતી આપતાં પીજીવીસીએલના મુખ્ય કાર્યપાલક ઇજનેર જે.જે.ભટ્ટએ જણાવ્યું હતુ કે, ગત વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન જસદણ ડીવીઝન હેઠળ આવતી ૨૯ સીમ શાળાઓનું રૂા. ૫ કરોડ ૭૧ લાખના ખર્ચે રાજય સરકારની જયોતિગ્રામ યોજના અન્વયે વિજળીકરણ કરવામાં આવ્યું હતું. જયારે આ વર્ષે ૮ સીમ શાળાઓમાં રૂા. ૮૩ લાખના ખર્ચે વિજળીકરણ કરી વિજસુવિધા ઉપલબ્ધ કરાવાશે. જે પૈકી ત્રણ સીમશાળાઓમાં કામ પૂર્ણ થયેલ છે. જયારે અન્ય સીમશાળાના કામો પ્રગતિ હેઠળ છે. આ સમીક્ષા બેઠકમાં પીજી વીસીએલ વીજીલન્સના ડી.વાય. એસ. પી. બી.સી. ઠક્કર, ગામના સરપં નીલેષભાઇ વૈષ્ણવ, પીજીવી સીએલના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.