પીજીવીસીએલનાં રેઢીયાળ તંત્રને લઈ ઓખાનાં લોકોની રજુઆત
સૌરાષ્ટ્રમાં હાલારનાં ઓખા ગામે હિન્દુઓનાં સૌથી મોટા તહેવાર નવરાત્રીની ઉજવણી અનોખી રીતે થાય છે. અહીં જુદા-જુદા નવ માતાનાં મંદિરો આવેલા છે. જેમાં નવરાત્રીનાં નવ દિવસોમાં નવ ગરબી ચોકમાં નાની બાળાઓ ગરબે ઘુમે છે. આજ પ્રથમ દિવસે સતત વરસી રહેલા વરસાદનાં કારણે ગરબી ચોકમાં પાણી ફરી વળ્યા હતા. આ કુદરતી આફતને પહોંચી વળવા આયોજકોએ સારી મહેનત કરી હતી પરંતુ પીજીવીસીએલનાં રેઢીયાર તંત્રએ બાળાઓ તથા આયોજકોનું પ્રથમ નોરતું બગાડયું હતું. સાંજે ૫ વાગ્યેથી લાઈટ બંધ કરી હતી તે રાત્રીનાં ૧૧:૩૦ વાગ્યે લાઈટ ચાલુ કરી હતી. અહીં કરૂણતા એ સર્જાય હતી કે, પીજીવીસીએલ ઓફિસનાં લેન્ડલાઈન બંધ સાથે તમામ અધિકારીઓનાં મોબાઈલ પણ બંધ થઈ ગયા હતા. આમ પીજીવીસીએલનાં રેઢીયાર તંત્રને કારણે નવરાત્રીનો તહેવાર અંધકારમાં છવાયો હતો. અહીં તંત્ર દ્વારા જવાબ તૈયાર હોય છે. ફીડર બંધ છે. ૬૬ કેવી બંધ છે. ૧૧ કેવી બંધ છે. લાઈટનું કામ ચાલુ છે. લાઈટનો કાપ છે એવા જુદા જુદા બહાના બનાવી પ્રજાને બાનમાં લે છે. છેલ્લા છ મહિનાથી ઓખા મંડળનાં ઓખા, બેટ, સુરજકરાડી તથા આરંભડા ગામની પ્રજા પીજીવીસીએલનાં રેઢીયાર તંત્રનો ભોગ બની રહી છે.