પીજીવીસીએલને મોટી સફળતા : માંડવીના બેંટોનાઈટ નામના એકમમાં મોટા પ્રમાણમાં થતી વીજ ચોરી પકડી પાડી
પીજીવીસીએલને મોટી સફળતા મળી છે. માંડવીના બેંટોનાઈટ નામના એકમમાં મોટા પ્રમાણમાં થતી વીજ ચોરી પકડી પાડી છે. આ ઔદ્યોગિક એકમમાંથી અધધધ રૂ. 3.84 કરોડની વીજચોરી પકડાતા સૌ અચંબિત થઈ ગયા છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી. ના સીધા માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલ અને જીયુવીએનએલના અધિકારીઓ દ્વારા ગઈકાલના રોજ કચ્છના માંડવી ખાતે આવેલ નરનારાયણ માઇનકેમ , વાંઢ ગામ, તા. માંડવી ઔદ્યોગિક એકમ કે જે એચ.ટી. વીજ જોડાણ 475 કેવીએ નું છે તેમાં ઈન્સ્ટોલેશન ચેકીંગ કરતા વીજ જોડાણના કંટ્રોલ કેબલ – મેજરિંગ કેબલ સાથે ચેડાં કરી પાવર ચોરી કરતા પકડાયેલ.
વીજ અધિકારીઓ દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરી વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ. આ ઔદ્યોગિક એકમને પાવર ચોરી અંગેનુ કુલ રૂ. 3.84 કરોડ નું બિલ આપવામાં આવેલ છે. આ વીજ જોડાણના ચેકીંગ દરમ્યાન જે.એચ.તલાટી કાર્યપાલક ઇજનેર માંડવી, એચ.પી.ટોલીયા નાયબ ઇજનેર એચટી સ્ક્વોડ, એ.કે.પટેલ નાયબ ઇજનેર એચટી સ્ક્વોડ, એસ.ડી.જોશી નાયબ ઇજનેર, વાય.એન. મન્સૂરી નાયબ ઇજનેર વગેરે અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ઈન્સ્ટોલેશન ચેકીંગની કામગીરી હાથ ધરી વીજ ચોરી પકડવામાં આવેલ.