જામવાડી GIDCમાં આવેલ પ્લાસ્ટિકના અને ભરૂડી ગામ પાસે આવેલ કિચનવેરનાં કારખાનામાં થતી વીજચોરીને ઝડપી પાડતું પીજીવીસીએલ
પીજીવીસીએલ,રાજકોટ રૂરલ સર્કલ ઓફિસ હેઠળ કરવામાં આવેલ વીજ ચેકિંગ દરમ્યાન ફકત બે કારખાનાઓમાંથી જ રૂ. 1.18 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી છે.પીજીવિસીએલ રાજકોટ રૂરલ સર્કલ ઓફિસ હેઠળની ગોંડલ ડિવિઝન ઓફિસ દ્વારા જુદા જુદા ઔધોગિક અને કોમર્શિયલ વીજ જોડાણોની ચકાસણી કરતાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ જવા પામેલ છે. ઇન્સ્ટોલેશન ચેકીંગ સ્કવોડ દ્વારા તા.16ના રોજ ફ્યુઝન ઇન્ડસ્ટ્રીઝ, ભરૂડી ગામ પાસે આવેલ કિચનવેર નાં કારખાનામાં વીજ જોડાણ ચેક કરતાં કુલ 48.72 કી.વો. લોડ જોડેલ હોવાનું માલુમ પડેલ. આ મીટર બળેલી હાલતમાં શંકાસ્પદ જણાતા વિશેષ ખરાઈ અર્થે મીટર સિલ કરવામાં આવેલ. તા. 11.07.2022 નાં રોજ મીટર ટેસ્ટિંગ લેબ માં ગ્રાહક નાં પ્રતીનિધીની હાજરીમાં મીટર તપાસમાં ગેરરીતિ જણાયેલ અને આ અંગે મીટર ચોરીનું રૂ. 29 લાખનું પુરવણી બિલ ગ્રાહકને આપવામાં આવેલ છે.
ઇન્સ્ટોલેશન ચેકીંગ સ્કવોડ દ્વારા તા. 18.06.2022 નાં રોજ જામવાડી જીઆઈડીસી માં આવેલ શ્રીનાથ પોલી પ્લાસ્ટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં વીજ જોડાણ ચેક કરતા કુલ 92.7 કી.વોટ લોડ જોડેલ હોવાનું માલુમ પડેલ. આ મીટરપેટી ઉપરના સિલો ની ચકાસણી કરતા શંકાસ્પદ જણતા મીટર પેટી સહિત વિશેષ ખરાઈ અર્થે સિલ કરવામાં આવેલ. તા. 11.07.2022 નાં રોજ મીટર ટેસ્ટિંગ લેબમાં ગ્રાહકના પ્રતિનિધિ ની હાજરીમાં મીટર તપાસતાં ગેરરીતિ જણાયેલ અને આ અંગે પાવર ચોરીનું રૂ. 89 લાખનું પુરવણી બિલ આપવામાં આવેલ છે.આમ રાજકોટ ગ્રામ્ય સર્કલ હેઠળ ગોંડલનાં ઔધોગિક વિસ્તારોમાં વીજ જોડાણો ની ચકાસણી કરતા ફકત બે કારખાનામાં જ કુલ રૂ. 118 લાખ નાં વીજ ચોરી નાં પુરવણી બિલો આપવામાં આવેલ છે.સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છ નાં વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા હાલમાં ઔધોગિક અને કોમર્શિયલ વીજ જોડાણોનું મોટા પાયે સઘન વીજ ચેકીંગ ચાલુ છે અને રોજની લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ રહી છે. આ ચેકીંગ ઝુંબેશ થી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ઈમાનદાર ગ્રાહકો દ્વારા પીજીવીસીએલ ની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.