પીજીવીસીએલનાં વિજીલન્સ વિભાગે પાડયો દરોડો: ટ્રાન્સફોર્મરમાંથી અંડરગ્રાઉન્ડ થ્રી ફેઈઝ કેબલ લઈ વીજ ચોરી થતી હોવાનું ખૂલ્યું
અબતક,રાજકોટ
રાજકોટ પીજીવીસીએલ વિજિલન્સ વિભાગ દ્વારા આજરોજ ઇન્ફોર્મેશનના આધારે સદર વિસ્તારમાં વીજજોડાણના ઇન્સ્ટોલેશન ચેકિંગ કરતાં ધી જેનીસ પેલેસ નામની હોટેલ વીજચોરીમાં પકડાઈ ગયેલ હતી . વીજબોર્ડના ટ્રાન્સફોર્મર પાસેના ડીસ્ટ્રીબ્યુશન બોક્સમાંથી થ્રી ફેઇઝ કેબલ જોડી અન્ડરગ્રાઉન્ડ કરીને પોતાની હોટેલના લોડ સાઈડમાં ડાયરેક્ટ જોડવામાં આવેલ . આમ થ્રી ફેઇઝ મીટર બાયપાસ કરી સીધું વીજજોડાણ લઇ પાવરચોરી કરતાં રંગેહાથ પકડાઈ ગયેલ . આ વીજજોડાણ સાજીદભાઈ અહમદભાઈ જિન્દાણીના નામનું છે , જેનો કોન્ટ્રાક્ટેડ લોડ 25 કે.ડબલ્યુ . છે . આ જોડાણમાં લોડ ચેક કરતાં કુલ 48.59 કે.ડબલ્યુ . લોડ જોડવામાં આવેલ . આ વીજજોડાણ કાપી નાખવામાં આવેલ છે અને મીટર સર્વિસ ઉતારી વધારાનો થ્રી ફેઇઝ કેબલ કબજે લીધેલ છે. આ વીજચોરીનું અંદાજીત બીલ રૂ . 40 લાખ જેવું થશે.
રાજકોટમાં વીજવિભાગ દ્વારા હાલમાં મોટા પ્રમાણમાં વીજ દરોડા ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ વીજજોડાણોના ચેકિંગ હાથ ધરવામાં આવશે.
ઉપરોક્ત વીજજોડાણના ચેકિંગમાં વિજિલન્સ સ્કવોડના નાયબ ઈજનેર કગથરા તથા મારડિયા તથા પોલીસ વિભાગમાંથી એ.જે. મુલીયાણા , હેડ કોન્સ્ટેબલ તથા વીજ કચેરીનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ હાજર રહી વીજચોરી પકડી પાડેલ .