વીજ ચોરી અટકવાનું નામ નથી લેતી
પીજીવીસીએલની ટીમોએ એપ્રિલથી જૂન સુધીમાં 113719 વીજ જોડાણોની ચકાસણી કરી જેમાંથી કુલ 27254 કનેક્શનમાંથી ગેરરીતિ ઝડપાઇ
50 લાખથી વધુની વીજ ચોરી પકડાવાના 12 કેસ, 10થી 50 લાખની ચોરી પકડાવાના 46 કેસ અને 1થી 10 લાખની ચોરી પકડાવાના 1358 કેસ નોંધાયા
પીજીવીસીએલ દ્વારા એપ્રિલ-2023 થી જુલાઈ-2023 દરમ્યાન ચાર મહિનામાં કુલ રૂ. 82 કરોડની પાવર ચોરી પકડવામાં આવી છે. છેલ્લા ચાર મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગ દરમ્યાન કુલ 113719 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી કુલ 27254 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ છે.
જીયુવીએનએલનાં માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા4 માસમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન આશરે રૂ. 82.06 કરોડ ની પાવર ચોરી પકડી પાડવામાં આવેલ છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી હેઠળની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. કંપની હેઠળ તેના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડી શકાય તે હેતુથી છેલ્લા ચાર માસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ એપ્રિલ-2023 થી જૂન-2023 દરમ્યાન કુલ 113719 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાંથી કુલ 27254 વીજ જોડાણોમાં વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવેલ જેની અંદાજીત રકમ રૂ. 82.06 કરોડ થવા પામેલ છે.જેમાં 50 લાખથી વધુની વીજ ચોરી પકડાવાના 12 કેસ નોંધાયા છે. જ્યારે 10થી 50 લાખની ચોરી પકડાવાના 46 કેસ અને 1થી 10 લાખની ચોરી પકડાવાબ 1358 કેસ નોંધાયા છે.
જીયુવીએનએલનાં વડપણ હેઠળ પીજીવીસીએલનાં વિજીલન્સ વિભાગ તથા સબ ડીવીઝન / ડીવીઝન ના અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા વીજ ચોરી ડામવા માટે સતત કામગીરીઓ કરવામાં આવેલ. કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપાતા પ્રમાણિક ગ્રાહકોમાં પણ આનંદની લહેર વ્યાપી ગયેલ અને કંપનીની કામગીરીને બિરદાવેલ છે.
પીજીવીસીએલની પકડથી બચવા ગ્રાહકો અનેક નતનવીન નુસખા અપનાવે છે !
પીજીવીસીએલ હેઠળ ખાસ કરીને ઇલેક્ટ્રિક નેટવર્કમાંથી સીધાજ વીજ જોડાણ લેવા, મીટર સાથે / સીલ સાથે ચેડા કરવા, મીટર ડિસ્પ્લે બાળી નાખવા, મીટરને બાળી નાખવા વગેરે કૃત્યોથી પાવર ચોરી કરવામાં કિસ્સાઓ વધુ પ્રમાણમાં જોવા મળેલ છે. વીજચોરીને કારણે રાજ્ય અને રાષ્ટ્રને મોટું નુકશાન થાય છે અને વીજળીનો વેડફાટ પણ વધે છે.
વીજચોરીની બાતમી આપો, નામ ગુપ્ત રાખીશું : પીજીવીસીએલ
ક્યારેક વીજ ચોરી કરતા સમયે વીજ અકસ્માત થતા વ્યક્તિનો જીવ ગુમાવવાના કિસ્સાઓ પણ બને છે. વીજ ચોરી અંગેની માહિતી આપવા માટે મોબાઈલ નં. 99252 14022 (રાજકોટ) તથા 0265-2356825 (વડોદરા) પર જાણ કરી શકાય છે. ઉપરાંત પીજીવીસીએલની સબ ડીવીઝન, ડીવીઝન તેમજ સર્કલ ઓફીસમાં પણ વીજ ચોરી કરનારની માહિતી આપી શકાય છે. માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવામાં આવે છે. પીજીવીસીએલ લોકોને વીજ ચોરી ચાલતી હોય તો તે અંગે જાણકારી આપવા નમ્ર અપીલ કરે છે.