શિયાળાની આરંભે ફરી પાણીની રામાયણ સર્જાય છે. ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે ઇલેક્ટ્રીક ફોલ્ટ સર્જાવાના કારણે શહેરના પાંચ વોર્ડમાં આજે પાણી વિતરણ ખોરવાઇ જવા પામ્યું હતું. 135 એમએલડી પાણીની ઘટ્ટ પડવાના કારણે આવતીકાલે પણ વિતરણ વ્યવસ્થા પર અસર થવાની અસર ભિતી વર્તાઇ રહી છે.
ઢાંકી પમ્પીંગ સ્ટેશન પર ઇલેક્ટ્રીક ફોલ્ટ સર્જાવાના કારણે રાજકોટને બેડી અને રૈયાધાર પર નર્મદાના નીર ન મળ્યાં: વોર્ડ નં.1, 2, 3, 9 અને 10ના અનેક વિસ્તારો પાણી વિહોણા: કાલે પણ વિતરણ ખોરવાવાની ભિતી
આ અંગે કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખાના ઇજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હડાળા પમ્પીંગ સ્ટેશન પરથી નર્મદાનું પાણી ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્યાંથી રાજકોટની રૈયાધાર અને બેડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે આપવામાં આવે છે. ગઇકાલે સવારે ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે જબ્બરો ઇલેક્ટ્રીક ફોલ્ટ સર્જાયો હતો. જેના કારણે આખો દિવસ રાજકોટને રૈયાધાર અને બેડી ખાતે નર્મદાનું પાણી મળ્યું ન હતું. ઇએસઆર-જીએસઆઇમાં સ્ટોરેજ હોવાના કારણે ગઇકાલે વિતરણ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી હતી. દરમિયાન આજે સવારથી રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હેઠળ આવતા વોર્ડ નં.1, 2, 9 અને 10 પાર્ટના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. બપોર બાદ ગાંધીગ્રામ અને 150 ફૂટ રીંગ રોડ પરના વિસ્તારોમાં પણ વિતરણ અટકાવી દેવામાં આવ્યું છે. લાઇન ચાર્જ થઇ શકે તેમ ન હોવાના કારણે માધાપર અને ઘંટેશ્ર્વર વિસ્તારમાં પણ પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત વોર્ડ નં.2 અને 3માં રેલનગર અને બજરંગવાડી હેડ વર્ક્સ પરથી જે વિસ્તારમાં પાણી વિતરણ થાય છે ત્યાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ રૈયાધાર અને બેડી આધારિત આ બંને વોર્ડના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઇલેક્ટ્રીક ફોલ્ટ મોટો હોવાના કારણે છેલ્લા બે દિવસથી રિપેરીંગની કામગીરી ચાલી રહી છે. છતાં હજુ રિપેરીંગ પૂર્ણ થયું નથી. આજ સાંજ સુધીમાં રિપેરીંગ પૂર્ણ થશે તો રાતથી ફરી બંને સ્થળે નર્મદાનું નીર આપવાનું શરૂ કરવામાં આવશે. જેની અસર આવતીકાલે પણ વિતરણ વ્યવસ્થા પર થવાની પ્રબળ સંભાવના જણાઇ રહી છે.
135 એમએલડીની ઘટ્ટ થોડા ઘણા અંશે પૂરી કરવા માટે ન્યારી ડેમમાંથી વધારાનું પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે જે વિસ્તારોમાં પાણી વિતરણ કરી શકાયું નથી ત્યાં આવતીકાલે વિતરણ કરવા માટેની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા ગોઠવવામાં આવી રહી છે. જો સમયસર ફોલ્ટ રિપેર નહીં થાય અને રાજકોટને પાણી આપવાનું શરૂ કરવામાં નહીં આવે તો આવતીકાલે પણ અનેક વોર્ડ તરસ્યા રહે તેવી સંભાવના જણાઇ રહી છે.