વીજ ઉપભોકતાઓમાં ભારે રોષ: ઉચ્ચકક્ષાએ રજુઆત
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજકંપનીની બાહુબલી જેવી કામગીરીથી વીજગ્રાહકો ચોંકી ઉઠ્યા હતાં. છેલ્લા ત્રણ માસના એકી સાથે ઘરે ઘરે વીજબિલ પડતા ગ્રાહકોને કરંટ લાગતા રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લાખો રૂપિયા વીજકંપનીના બાકી હોય ત્યાં અંજવાળા અને એક કે બે માસના બિલ બાકી હોય ત્યાં અંધારૂ કરી દેવાના અનેક કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. ત્યારે છેલ્લા થોડા માસથી વીજતંત્રની કામગીરીનો ભોગ ગ્રાહકો બનતા હોવાની બૂમરાણો ઉઠી છે. છાશવારે પોલીસકાફલા સાથે ચેકિંગ કરતા વીજતંત્રની ટીમ અચાનક વીજલાઈન સાથે મીટરો પણ ઉઠાવી લેતી હોવાથી લોકો મુશ્કેલીમાં મૂકાઇ જાય છે. આવી પરિસ્થિતિમાં જિલ્લામાં વીજગ્રાહકોને એકી સાથે ત્રણ માસના બિલનો સામનો કરવો પડતા વીજશોક જેવો ઘાટ સર્જાયો છે. જેના કારણે શહેરી સાથે સાથે ગ્રામ્ય પંથકના લોકોને પણ હાડમારી સાથે એકી સાથે ત્રણ માસનુ બિલ કેમ ભરશુ સહિતના સવાલો મૂંઝવી રહ્યાં છે. કારણે કે, વિવિધ પ્રકારના ચાર્જ સાથે પણ લોકોને બિલ ફટાકરવામાં આવી રહ્યાં છે. ત્યારે રોજનુ લાવીને રોજ ખાતા લોકો માટે બિલ ભરવુ પણ પડકારરૂપ બની ગયુ છે. કારણે વીજકંપની દ્વારા સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં અંદાજે ૩૦૦ થી વધુ ગ્રાહકો પરિસ્થિતિનો ભોગ બન્યા હોવાની રાવ ઉઠી છે. જેના કારણે વીજબિલ ભરવામાં મુશ્કેલી સર્જાતા રોષે ભરાયેલા લોકોએ કરી રજૂઆત કરી છે. અંગે પીજીવીસીએલના નાયબ ઇજનેર એલ.પી. ચૌહાણે જણાવ્યું કે, વીજબિલ પહોંચાડવામાં વિલંબીત થયુ છે તેમ છતાં ગ્રાહકોને રાહત આપવામાં આવશે અને કોઇ વધારાનો બોજ નહીં લાગે. જિલ્લાના મોટા ભાગ સ્થળોએ એકી સાથે ત્રણ માસના બિલો આવ્યા હોવાની રાવ ઉઠી છે. પરંતુ રહીશો તેમજ દુકાનદારો સહિતના સ્થળોએ વીજબિલ મોડા પહોંચવાનું કારણ ઓગસ્ટ માસની જાહેર રજાઓ તેમજ વરસાદી વાતાવરણ ધ્યાને આવ્યુ હતું.