હવે જમાનો આવશે ઇલેક્ટ્રીક વાહનોનો
સ્થાનિક ભાગીદાર સાથે મળી ચીનની બાયડ ઓટો હવે ઈલેકટ્રીક કાર્ગો વ્હીકલનું વેંચાણ ભારતમાં કરવા તૈયાર
આગામી બે દશકામાં વિશ્વભરમાં મોટાભાગના વાહનો વીજળીથી સંચાલીત હશે. પેટ્રોલ અને ડિઝલ સહિતના ઈંધણો પરનું ભારણ ઘટાડવા માટે વિશ્વભરની સરકારો ઈલેકટ્રોનિક સંચાલીત વાહનોના ઉત્પાદન પર ધ્યાન આપી રહી છે. વર્તમાન સમયમાં ઈલેકટ્રીક કાર અને રીક્ષા સહિતના વાહનોથી લોકોનું પરિવહન થતું જોવા મળે છે. જ્યારે આગામી સમયમાં કાર્ગો વાહનોનો ઉપયોગ પણ વધતો જાય તેવી ધારણા છે.
વૈશ્વિક બજારમાં ઈલેકટ્રીક વાહનોના વેંચાણ અને ઉત્પાદનમાં દિગ્ગજ ગણાતી ચીનની બાઈડ ઓટો દ્વારા આગામી સમયમાં હવે ઈલેકટ્રીક કાર્ગો વાહનોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ માટે ભારતમાં સ્થાનિક કંપની ઈટીઓ મોટર્સ સાથે ચીનની બાઈડ ઓટો દ્વારા કરાર કરવામાં પણ આવ્યા છે. સનિક ક્ષેત્રે ઈલેકટ્રીક કાર્ગો વાહનોનું એસેમ્બલીંગ થશે. નોંધનીય છે કે, ચીનની બાયડ ઓટો વર્તમાન સમયમાં હૈદરાબાદની ઓલેકટ્રા ગ્રીન ટેક નામની કંપની સાથે ભાગીદારી ધરાવે છે. આ કંપની ઈલેકટ્રીક બસનું વેંચાણ ભારતમાં કરી રહી છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ જાહેરાત કરી હતી કે, ભારતમાં લોકલ ક્ષેત્રે ભાગીદારની જરૂરીયાત છે. આ ભાગીદારીથી ઈલેકટ્રીક કાર્ગો વાહનોનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે.
ભારતીય બજારમાં ૩ એન્ડ ૪ વ્હીલર આધારીત કાર્ગો વાહનોનું ઉત્પાદન કરવાની યોજના કંપની દ્વારા ઘડી કાઢવામાં આવી છે. અહીં નોંધનીય છે કે, ભારતીય બજારમાં થ્રી વ્હીલર કાર્ગો વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારની પોલીસી હાલ ઈલેકટ્રીક વાહનોના વેંચાણ અને ઉપયોગને પ્રચલીત બનાવવાની છે. આ માટે સરકાર વિવિધ પ્રોત્સાહનો જાહેર કરવાની ઈચ્છા ધરાવી રહી છે. બીજી તરફ વૈશ્વિક ક્ષેત્રની વાહન ઉત્પાદક કંપનીઓ પણ ધીમે ધીમે ઈલેકટ્રીક વાહનોના ઉત્પાદન તરફ ધ્યાન આપવા લાગી છે. પ્રદુષણ ઘટાડવાની નેમ સો સરકારની આ પોલીસી ઘડાઈ છે. અલબત વર્તમાન સમયમાં કંપનીઓ લોકોની હેરફેર માટે વાહનોનું ઉત્પાદન કરે છે. પરંતુ આગામી સમયમાં ચીનની બાઈડ ઓટો જેવી કંપની મોટા ઈલેકટ્રીક કાર્ગો વ્હીકલનું પણ ઉત્પાદન કરવાની તૈયારીમાં છે. આ માટે કંપનીએ સ્થાનિક કક્ષાએ ભાગીદાર ગોતવા તરફ પણ દ્રષ્ટી દોડાવી છે.
અહીં નોંધનીય છે કે, ભારતની ઈટીઓ દ્વારા ચીનની બાયડ ઓટોને ૫૦ જેટલા ટી-૩ કાર્ગો વાહનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. માર્ચ ૨૦૨૦ સુધીમાં કંપની ૨૦૦૦ જેટલા ઈલેકટ્રીક કાર્ગો વાહનોનું વેંચાણ કરવાનું લક્ષ્ય રાખી રહી છે. ફલીપકાર્ટ, ઈકીયા અને ડેલ્હીવેરી સહિતની ર્ડપાર્ટી લોજીસ્ટીક કંપનીઓ સાથે કંપનીએ સંપર્ક સાધ્યો છે. આવી કંપનીઓ ઈલેકટ્રીક કાર્ગો વ્હીકલના વેંચાણમાં મહત્વનો ભાગ ભજવી શકે તેવી અપેક્ષા સંચાલકોને હોય તેવું જણાય રહ્યું છે.