ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થઇ : માલસામાન આવવા લાગ્યો : દોઢ વર્ષમાં તમામ કામ પૂર્ણ થઇ જશે
સોરઠ પંથકના રેલવેની મુસાફરી કરતા યાત્રિકો માટે એક ખુશીના સમાચારો મળી રહ્યા છે. તે મુજબ લગભગ દોઢેક વર્ષમાં સોમનાથ – રાજકોટ વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી થશે અને આ ટ્રેન શરૂ કરવા માટે રેલવે વિભાગ દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું અને માલસામાન પણ આવવા લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.રેલ્વે વર્તુળમાંથી જાણવા મળતી વિગતો અનુસાર, હવે રાજકોટ – સોમનાથ વચ્ચે દોડતી ડીઝલ એન્જિન વાળી ટ્રેનને બદલે ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ કરવામાં આવે તે માટે રેલવે તંત્ર દ્વારા વિચારાધીન હતું, તે મુજબ સોમનાથ – રાજકોટ વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ કરવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. જે પૂર્ણ થઈ ગઈ છે અને આ માટે માલસામાન પણ આવવા લાગ્યો છે. જો કે આ ટ્રેન શરૂ થતા લગભગ દોઢથી બે વર્ષ લાગશે અને ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ થતા ડીઝલ એન્જિનના યુગનો અંત આવશે.
જુનાગઢ થી રાજકોટની ટ્રેન મુસાફરી માટે હાલમાં ડીઝલ એન્જિન હોવાથી મુસાફરીનો સમય લગભગ પોણા બે કલાક જેવો થાય છે. તેને બદલે રાજકોટ – સોમનાથ વચ્ચે ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી થતા ઇલેક્ટ્રિક ટ્રેનમાં મુસાફરીનો સમય માત્ર સવા કલાક જેટલો લાગશે. વર્તુળોના જણાવ્યા અનુસાર ડીઝલ એન્જિન કરતા ઇલેક્ટ્રિક એન્જિનિયરની ઝડપ અને ગતિ પકડવાની સ્ટાર્ટ અપ વધારે હોય છે અને ઇલેક્ટ્રિક એન્જિન માત્ર બે સેક્ધડમાં 0 થી 60 કિમીની સ્પીડ પકડી લે છે.
જેના કારણે હવે ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ થતા વધુ ઝડપે સોમનાથ – રાજકોટ વચ્ચેનું અંતર ટ્રેન કાપશે.જો જુનાગઢના રેલવે ઇતિહાસની વાત કરીએ તો, જાજરમાન સોરઠ અને નરસૈયાની નગરી જુનાગઢ પુસ્તકમાં ખ્યાતનામ ઇતિહાસકાર પરિમલ રૂપાણીની નોંધ જોઈએ તો, 19 જાન્યુઆરી 1888માં જૂનાગઢમાં સર્વપ્રથમ ટ્રેન આવી હતી. ત્યારે નવાબ બહાદુરખાન ત્રીજા, શાહજાદા એ દલ ખાનજી, કેપ્ટન કેનેડી વગેરેની ઉપસ્થિતિમાં વાવટા અને વૃક્ષ પાનથી શણગારાયેલ ટ્રેન જુનાગઢ આવતા તેનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.
બાદમાં આ ટ્રેન વડાલ તરફ ગઇ હતી અને ટ્રેન જુનાગઢ પરત ફરતા ઘોડે સવાર અને લશ્કર દ્વારા બેન્ડ સાથે સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે જુનાગઢ રેલવે સ્ટેશન ખાતે વિશાળ સમીયાણો બાંધવામાં આવ્યો હતો અને ગરીબો તથા રેલવેના મજૂરોને ઇનામ વહેંચવામાં આવ્યા હતા.જૂનાગઢમાં સને 1988માં કોલસાથી ચાલતી ટ્રેન શરૂ થઈ હતી અને તે ટ્રેન 108 વર્ષ સુધી એટલે કે છેક 1996 સુધી દોડતી રહી હતી. બાદમાં 1996માં કોલસાના એન્જિન બંધ કરવામાં આવ્યા હતા અને હાલમાં પણ ડીઝલ એન્જિન સાથે આ ટ્રેન સોમનાથ રાજકોટ વચ્ચે દોડી રહી છે. અને 25 વર્ષ બાદ હજુ લગભગ દોઢથી બે વર્ષ બાદ ડીઝલ એન્જિનથી દોડતી ટ્રેન બંધ થશે અને ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી થશે.