પાણીના ટાંકાની સફાઈ વેળાએ અચાનક ઈલેકટ્રીક મોટરને અડી જતા શોક લાગતા ગણપત રાઠોડ નામના મજુરનો જીવનદીપ બુઝાયો, અન્ય ત્રણ મજુરને સામાન્ય શોક લાગ્યો: પૂર્વ કોર્પોરેટર હરી વાલા ડાંગર સહિતના અગ્રણીઓ ઘટના સ્થળે ઘસી ગયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના તમામ ઈએસઆર-જીએસઆરની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સવારે શહેરના વોર્ડ નં.૧૦માં માયાણીનગર વિસ્તારમાં ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન ખાતે કોર્પોરેશનના પાણીના ટાંકાની સફાઈ વેળાએ અચાનક શોર્ટ લાગતા કોન્ટ્રાકટરના મજુરનું મોત નિપજયું હતું. આ ઉપરાંત ૩ મજુરોને પણ સામાન્ય શોર્ટ લાગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કરૂણાંતિકામાં મોતને ભેટેલા મજુરના પરિવારજનોને બે લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા પાણીના ટાંકાની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન ખાતે ઈએસઆર-જીએસઆરની સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. વોર્ડ નં.૧૩ના કોર્પોરેશનના મુળજીભાઈ મોહનભાઈ વાણીયા નામના કોન્ટ્રાકટરના ૩૦ થી ૩૫ માણસો વોટર વર્કસ શાખાના ઈજનેરોના નિરીક્ષણ હેઠળ પાણીના ટાંકાની સફાઇ કરવા માટે ઉતર્યા હતા. આ વેળાએ ગણપતભાઈ જીવણભાઈ રાઠોડ (ઉ.વ.૨૫) નામના એક મજુરનો હાથ અચાનક પાણીના ટાંકામાં રાખવામાં આવેલી ઈલેકટ્રીક મોટરને અડી જતા મજુરને જોરદાર શોર્ટ લાગ્યો હતો. અન્ય ત્રણ મજુરને સામાન્ય શોર્ટ લાગ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ગણપતભાઈને તાત્કાલિક શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી ગીરીરાજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં મજુરનો મૃતદેહ જ પહોંચ્યો હતો. આ ઘટનાની જાણ થતા વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને ભાજપના અગ્રણી હરીભાઈ વાલાભાઈ ડાંગર સહિતના લોકો ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. મહાપાલિકાની ઈજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ સામાન્ય રીતે પમ્પીંગ સ્ટેશન ખાતે ઈએસઆર-જીએસઆરની સફાઈ વેળાએ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતો હોય છે અને મજુરોએ માત્ર ટાંકાની સફાઈ કરવાની હોય છે. એક પણ ઈલેકટ્રીક ઉપકરણને તેઓ કયારેય અડતા હોતા નથી પરંતુ આજે આ કરૂણાંતિકામાં એવું બન્યું છે કે ગણપતભાઈ નામનો યુવા મજુરનો શરીરનો કોઈ અંગ ઈલેકટ્રીક મોટરને અડી ગયો હતો અને આ વેળાએ રીવર્સ વીજ પુરવઠાના કારણે તેણે જીવલેણ શોક લાગ્યો હોય તેવું બની શકે છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આ ઘટનાની વિસ્તૃત તપાસની સુચના આપી દીધી છે.