દેશની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી આઠ વર્ષના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, તે જ સમયે સરકારે દેશ માટે‘ઈલેક્ટ્રિક સપનું’ જોયું છે. ઈલેક્ટ્રિક વ્હીકલ પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારને ચુકવવામાં આવનાર વ્યાજ પર 1.5 લાખ રૂપિયા વધારાની ઈન્કમ ટેક્સ છૂટ પણ મળશે. પહેલેથી મળી રહેલી એક લાખની છૂટને જોડીને આ ફાયદો અઢી લાખ રૂપિયા સુધીનો થાય છે. સરકારે ઈલેક્ટિક વ્હીકલ સાથે જોડાયેલી જાહેરાત તો કરી છે, પરંતુ જોવાનું એ છે કે તેનો ફાયદો ખરેખર ગ્રાહકો સુધી પહોંચે છે કે નહિ.
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમાબાઈલ મેન્યુફેકચર્સ(સિયામ)ના આંકડા જોઈએ તો ખ્યાલ આવે કે 8 વર્ષમાં 2019નો એપ્રિલ મહીનો એવો રહ્યો છે, જેમાં સૌથી ઓછા વાહનોનું વેચાણ થયું છે. એપ્રિલ 2019માં એપ્રિલ 2018ની સરખામણીએ વાહનોના વેચાણમાં 16 ટકા ઘટાડો આવ્યો છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા આ વર્ષે સાડા સાત લાખ થઈ છે. જોકે તેમાં મોટા ભાગની સંખ્યા થ્રી વ્હીલર્સ અને ટુ વ્હીલર્સની છે. સરકારનું લક્ષ્ય છે કે 2030 સુધીમાં દેશમાં વેચાનારા 30 ટકા વાહન ઈલેક્ટ્રિક હોય. સરકાર નેશનલ ઈલેક્ટ્રિક મોબાઈલિટી મિશન પ્લાન અંતર્ગત 2020 સુધીમાં છથી સાત મિલિયન ઈલેક્ટ્રિક વાહન રસ્તાઓ પર જોવા માંગે છે, પરંતુ હાલ તે એક સપનું છે. બ્લૂમબર્ગ એનઈએફનો રિપોર્ટ કહે છે- ભારત જે ધીમીગતીથી આગળ વધી રહ્યું છે, તે હિસાબથી 2030 સુધીમાં માત્ર 6 ટકા ઈલેક્ટ્રિક વાહન રસ્તા પર હશે.