કાળઝાળ ગરમીમાં બસને ધક્કો મારવા ઉતરેલા મુસાફરોમાં રોષ
શહેરમાં આંતરિક પરિવહન માટે છેલ્લા ઘણા સમયથી ડિઝલ સંચાલિત સિટી બસ દોડી રહી છે. જેનું આયુષ્ય હવે પુરૂં થઇ ગયું છે. ધુમાડા કાઢતી આ બસ ગમે ત્યારે અને ગમે ત્યાં બંધ પડી જવાની ઘટના રોજીંદી બની જવા પામી છે. પરંતુ હવે પ્રદૂષણ મુક્ત પરિવહન સેવા માટે શરૂ કરવામાં આવેલી ઇલેક્ટ્રીક સિટી બસ પણ ડચકાં ખાવા માંડી છે. ગઇકાલે શહેરના સામા કાંઠે વિસ્તારમાં પારેવડી ચોક પાસે સાંજે અચાનક ઇલેક્ટ્રીક સિટી બસ બંધ થઇ જવા પામી હતી. મુસાફરોએ ફરી બસ ચાલુ કરવા માટે ધક્કા મારવા પડ્યા હતા.
ડીઝલથી ચાલતી બ્લૂ કલરની સિટી બસનું આયુષ્ય પુરૂં થઇ ગયું હોવાના કારણે તે બંધ પડી જાય તે સમજી શકાય પરંતુ નવી નકોર ઇલેક્ટ્રીક બસ કેમ બંધ પડી તે પણ એક જવાબ માંગી લેતો સવાલ છે. જો કે, સામાન્ય ટેકનીકલ પ્રોબ્લેમને કારણે બસ બંધ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
છેલ્લા ઘણા દિવસથી હિટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આવામાં સિટી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ અચાનક બંધ પડેલી ઇલેક્ટ્રીક બસને ચાલુ કરવા માટે ધક્કા મારવાની ફરજ પડી હતી.