દિલ્હીથી એક ઈલેકટ્રીક બસ રાજકોટ આવવા રવાના: બીઆરટીએસ પર ટ્રાયલ બેઈઝ પર ઈલેકટ્રીક બસ દોડાવાશે: એપ્રિલના અંત સુધીમાં શહેરમાં 28 ઈલેકટ્રીક બસો દોડતી થઈ જશે
પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરિક પરિવહન માટે ઈલેકટ્રીક બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરમાં 150 જેટલી ઈલેકટ્રીક બસ દોડાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ મંજુરી આપી દેવામાં આવી છે. દરમિયાન આગામી 3 થી 4 દિવસમાં રાજકોટના રાજમાર્ગો પર ઈલેકટ્રીક બસ દોડતી દેખાશે. ગઈકાલે દિલ્હીથી એક ઈલેકટ્રીક બસ આવવા માટે રવાના થઈ ગઈ છે જે પ્રથમ તબકકે ટ્રાયલ બેઈઝ પર બીઆરટીએસ પર દોડાવવામાં આવશે. એપ્રિલના અંત સુધીમાં 28 ઈલેકટ્રીક બસ રાજકોટમાં દોડતી દેખાશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ પ્રથમ તબકકે મહાપાલિકા દ્વારા 50 ઈલેકટ્રીક બસ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પૈકી એજન્સી દ્વારા એક ઈલેકટ્રીક બસ ગઈકાલ સવારથી દિલ્હી ખાતેથી રાજકોટ મોકલવામાં આવી છે જે આવતીકાલ સાંજ કે શુક્રવાર સવાર સુધીમાં રાજકોટ ખાતે આવી પહોંચશે. ટ્રાયલ બેઈઝ પર આ ઈલેકટ્રીક બસને બીઆરટીએસ પર દોડાવવામાં આવશે જેમાં બેટરીની ક્ષમતા અને કુલિંગ સિસ્ટમની ચકાસણી કરવામાં આવશે. સીટી બસના રૂટ ઉપર પણ દોડાવવાની વિચારણા છે. એપ્રિલ માસના અંત સુધીમાં શહેરના રાજમાર્ગો પર આશરે 28 ઈલેકટ્રીક બસ દોડતી દેખાશે. બીજી તરફ 100 ઈલેકટ્રીક બસ ખરીદવા માટે જે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું તે ફાઈનલ થઈ ગયું છે અને હાલ નેગોશીએશન ચાલી રહ્યું છે. બે-ચાર દિવસમાં કોન્ટ્રાકટ ફાઈનલ કરી દેવામાં આવશે.