તાજેતરમાં ઇવીએમ મશીનો સાથે ચેડા થયા હોય એવા આક્ષેપો મહારાષ્ટ્રની ચુંટણીમાં થયા હતા. મહારાષ્ટ્રમાં હમણાં જ પરિણામ જાહેર થયેલ જીલ્લા પરિષદ અને મહાનગરપાલિકાની ચુંટણીઓમાં ઇલેકટ્રોનિક વોટીંગ મશીનો સાથે ચેડા થયા હોય તેવુ બહાર આવ્યું છે. ઘણી જગ્યાએ તો નોંધાયેલા મતો અને ગણતરી કરાયેલા મતોમાં ઘણો જ ફેરફાર જણાઇ આવ્યો છે. મુંબઇમાં એક ઉમેદવારને શુન્ય મત મળ્યો હોવાનું બહાર આવ્યું છે.આ અંગે જે તે પક્ષના ઉમેદવારોએ ચુંટણી પંચ સમક્ષ ફરિયાદો નોંધાવી છે. શિવસેના, એનસીપી, મનસે અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ ઇવીએમ સાથે ઘાલમેલ થયાની ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત આ ચુંટણીઓમાં મતદાર યાદીમાં પણ ગડબડ થયા હોવાનું બહાર આવ્યું છે.
નાસિક શહેરમાં એક વોર્ડમાં તો એમ બન્યુ કે, દરેક ઉમેદવારોને મળેલા મતો કુલ મતો કરતા વધારે હતા. પુણેમાં યરવડા વોર્ડમાં ૩૩,૨૮૯ નોંધાયેલા મતો હતા પણ ગણતરીમાં ૪૩,૩૨૪ મત નિકળ્યા, એક વિસ્તારમાં કલમ ૧૪૯ હેઠળ જીતનો સત્તાવાર પત્ર આપી દેવાયા બાદ વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ એકાદ કલાક પછી તેમને કહેવામાં આવ્યું કે, હજીતો એક ઇવીએમની ગણતરી બાકી છે તે ઇવીએમમાંથી બધા જ મત ભાજપના ઉમેદવારને જ મળ્યા અને અચાનક જ ભાજપના ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા. મુંબઇમાં સાકીનાકા વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર શ્રીકાંત સિરસતને શૂન્ય મત મળતા તેમનું કહેવુ છે કે, મારા કુટુંબીજનો, મારા પાડોશીઓએ મને મત આપ્યા હોવા છતા આ પરિણામ મળ્યું છે. નાગપુરમાં પણ એનસીપીએ ઇવીએમ કૌભાંડની તપાસ કરવાની સ્પષ્ટ માંગણી કરી છે. અમરાવતીમાં તો ઇવીએમના દુ‚પુયોગ સામે તમામ પક્ષોએ એકઠા થઇને શહેર બંધનું એલાન આપ્યું હતું. તેને સારો પ્રતિભાવ મળ્યો, બજારો પણ બંધ રહ્યા તે નોંધવા જેવુ છે.
આવા અનેકો કિસ્સાઓ તાજેતરની પાંચ રાજ્યોની ચુંટણીમાં થયા છે તેવા અહેવાલો મીડિયા દ્વારા જાણવા મળ્યા છે. ઇવીએમ અંગે ધીમે ધીમે પેટારામાંથી જુદા-જુદા ભુત નિકળી રહ્યા છે. મોટા પાયે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચુંટણીમાં ઇવીએમ દ્વારા ગોટાળા થયા હોય તેવા આક્ષેપો માયાવતી તેમજ બધા વિરોધ પક્ષો કરી રહ્યા છે. આક્ષેપો તો ત્યાં સુધી થયા છે, મશીનો સાથે છેડછાડ કરીને ચુંટણી પરિણામોને પ્રભાવિત કરવામાં આવ્યા છે. ભારતના વિરોધ પક્ષો તેમાં પણ ખાસ કરીને માયાવતી અને કેજરીવાલ ભારે ઉહાપોહ કરી રહ્યા છે. એમને ઇવીએમ વિશ્ર્વાસપાત્ર લાગતુ નથી. તેમને હેકીંગનો ડર મનમાં પેસી ગયો છે. ૨૦૦૯માં ભાજપના લાલકૃષ્ણ અડવાણી, ડો. સુબ્રમણ્યમ સ્વામી તથા પક્ષના પ્રમુખ પ્રવક્તા જી.વી.એલ. નરસિંહરાવે તો ઇવીએમ ખૂબ જ ભારે અવિશ્ર્વાસ અને શંકાઓ ઉઠાવી પુસ્તક પણ લખ્યું. ઘણા બધા કોમ્પ્યુટરના તજજ્ઞોએ એમ પણ કહ્યું છે કે ઇવીએમ એ કોમ્પ્યુટર પ્રોગ્રામ છે, તેને હાલના જમાનામાં હેકર્સની કુશળતાથી બદલી પણ શકાય છે. ઇવીએમની સુરક્ષા પર નજર રાખનારા ટેકનિકલ વિશેષજ્ઞ પણ માને છે કે, મશીનોને હેક કરવા કોઇ મોટી વાત નથી અને તે સાબીત પણ કરી શકાય તેમ છે.
સુપ્રિમ કોર્ટ સુધી સફળતાપૂર્વક લડીને વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રેઇલ (વીવીપીએટી) નો અમલ કરવાનો હુકમ મેળવાયો હતો. પેપર ટ્રેઇલ પઘ્ધતિ એક એવી પઘ્ધતિ છે કે તે મતદારોને પોતાનો મત કોને આપ્યો છે તે ચકાસવા માટેની પરવાનગી આપે છે.
મતદાર મત આપે પછી ઇવીએમમાંથી એક છાપેલકાગળ બહાર આવે જેમાં મતદારે તેનો મત કોને આપ્યો છે તે જણાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે મુક્ત અને ન્યાયી ચુંટણી માટે આ એક અનિવાર્ય જ‚રિયાત છે તેમ કહીને જાન્યુઆરી ૨૦૧૭માં હુકમ કરીને તેનો અમલ કરવા ચુંટણી કમિશનરને આદેશ કર્યો છે.