ગાંધીનગર મહાપાલિકાની સાથે બે નગરપાલિકાની ચૂંટણીની પણ થશે જાહેરાત
અબતક, ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની વકરતી પરિસ્થિતિ અને ચોમાસાના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય ઈલેક્શન કમિશને લીધો હતો. પરંતુ આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં હવે કોરોનાની સ્થિતિ સુધરી રહી છે, ત્યારે આજે ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
ગાંધીનગર મનપાની સાથે બે નગરપાલિકાની ચૂંટણી પણ જાહેર થઈ શકે છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ ગાંધીનગર ચૂંટણીને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. જેમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. જો કે, ગાંધીનગર ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાઈ ચૂકી હતી અને 18 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાવવાની હતી. તે પહેલા મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને આ રજૂઆત કરી છે અને ત્યારબાદ ચૂંટણી મોકૂફ રખાઈ હતી.
અગાઉ કોરોનાની બીજી લહેર અને ચોમાસાને કારણે રાજ્ય ચૂંટણી આયોગે મનપાની ચૂંટણી મોકૂફ કરી દીધી હતી. તેની સાથે ભાજપ કોંગ્રેસ પાર્ટીએ પણ ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. તમામની રજૂઆત બાદ ચૂંટણી પંચે નિર્ણય લીધો હતો.