કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી ફરી એકવાર પાછળ ઠેલાઇ છે.ચૂંટણી પોસ્ટપોન્ડ થવા પાછળનું કારણ કોરોના હોવાનું જણાવી કોંગ્રેસ વર્કિંગ કમિટીએ ચૂંટણી હાલ પુરતી રદ કરવાનો નિર્ણય લીધો. અંગત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના મહામારીની હાલની સ્થિતિમાં ચૂંટણી યોજવી યોગ્ય નથી અને આથી તેને મૂલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્કિંગ કમિટીની બેઠકમાં સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીએ 23 જૂને ચૂંટણી કરવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો, આ પરાજયની જવાબદારી પોતાના માથે ઉપાડી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ના છૂટકે ફરી સોનિયા ગાંધીને પાર્ટીની કમાન સંભાળવી પડી હતી. સોનિયા ગાંધીને કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા એટલે કે જ્યાં સુધી નવા અધ્યક્ષની પસંદગી ન થાય ત્યાં સુધી જ તેઓ પાર્ટીની બાગડોળ સંભાળશે પરંતુ છેલ્લા બે વર્ષથી પાર્ટીની વર્કિંગ કમિટી નક્કી કરી શકી નહીં કે કોંગ્રેસના અધ્યક્ષ કોને બનાવવા. રાજકીય અટકળો પર ધ્યાન આપીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે.
બીજી બાજુ કોંગ્રેસની વર્કિંગ કમિટીએ અધ્યક્ષની ચૂંટણી એવા સમયે મૂલતવી રાખી છે જ્યારે પાર્ટીના અનેક નેતા ઝડપથી ચૂંટણી કરવાની માગ કરી રહ્યાં છે. જેમાંથી 25 મોટા નેતાઓએ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને લેટર લખી આ માગ કરી હતી. આ પત્રમાં ચોખ્ખુ લખ્યું હતું કે સંગઠનની ચૂંટણી અને પૂર્ણકાલિન પાર્ટી અધ્યક્ષ નહીં હોવાને કારણે પાર્ટીને ખુબ જ નુકસાન થઇ રહ્યું છે.
હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના દેખાવ પર નજર કરીએ તો મોટાભાગની તમામ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. તામિલનાડુ સિવાય પાર્ટીને અન્ય તમામ રાજ્યોમાં ખુબ જ શરમજનક પરિણામ મળ્યું છે. એટલું જ નહીં એક સમયે લાંબા સમય સુધી જ્યાં શાસન હતું એવા પશ્ચિમ બંગાળમાં તો ખાતું પણ ખુલ્યું નથી.