વિધાનસભાના ઉમેદવારો માટે 2012માં ખર્ચ મર્યાદા રૂ.16 લાખ હતી, જે આ વખતે વધારીને રૂ.40 લાખ કરાઈ
હવે ચૂંટણીને પણ મોંઘવારી નડી છે. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના ચૂંટણીખર્ચની મર્યાદામાં પાછલા એક દશકમાં ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ લગભગ 250 ટકાનો વધારો કર્યો છે. વર્ષ 2012માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર માટે લગભગ 16 લાખ રુપિયા સુધીનો ખર્ચ કરી શકતા હતા. 2022ની ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર 40 લાખ રુપિયા ખર્ચ કરી શકશે. આ તો ઉમેદવારના ચૂંટણી ખર્ચની વાત છે, રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતા ખર્ચ પર કોઈ નિયંત્રણ નથી.
વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારોના ચૂંટણીખર્ચની મર્યાદા 70 લાખ રુપિયા હતી. જો વર્ષ 2022માં પેટાચૂંટણી થાય તો, ચૂંટણીખર્ચની રકમ વધીને 95 લાખ રુપિયા થઈ જશે. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચને મેનેજ કરતા એક રાજકીય નેતા જણાવે છે કે, અમે પહેલીવાર ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે ખાસ તાલીમનું આયોજન કરીએ છીએ. ઈલેક્શન કમિશન તરફથી કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે હિસાબ કેવી રીતે રાખવો તે અમે શીખવાડીએ છીએ. જે લોકોને અનુભવ છે તેઓ જાણે છે કે ખર્ચાઓ કેવી રીતે મેનેજ કરવામાં આવે છે. મોટાભાગના કેસમાં ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ મર્યાદિત રકમ કરતા વધી જાય છે. અમે બાકીનો ખર્ચ પાર્ટી ખર્ચ તરીકે ગણી લઈએ છીએ. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નજર રાખવા માટે આદેશ આપ્યા છે. પંચ દ્વારા સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ સિવાય સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વીડિયો સર્વેલન્સ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. ઇસીઆઈ ગુજરાત પોલીસ, ઈનકમ ટેક્સ વિભાગના કર્મચારીઓ, સીબીઇસી, ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ, રેવન્યુ ઈન્ટેલિજન્સ, રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ, પોસ્ટ વિભાગ અને એનસીબીની મદદ લેશે.
ઉમેદવારો નવું બેન્ક એકાઉન્ટ ખોલાવી પ્રચારનો ખર્ચ તેમાંથી જ કરી શકશે
ચૂંટણી દરમિયાન દારૂના ઉત્પાદન, ડિસ્ટ્રિબ્યૂશન, વેચાણ અને સ્ટોરેજ પર નજર રાખવાનો આદેશ રાજ્યના એક્સાઈઝ વિભાગને આપવામાં આવ્યો છે. મોબાઈલ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડની કામગીરી જીપીએસ ટ્રેકિંગ તેમજ સી-વિજીલ એપની મદદથી ટ્રેક કરવામાં આવશે. ચૂંટણી ખર્ચને સરળતાથી મોનિટર કરી શકાય તેમજ પારદર્શિતા જળવાઈ રહે તે માટે, ઉમેદવારોએ અલગથી એક બેન્ક અકાઉન્ટ ખોલવાનું રહેશે. ચૂંટણી ખર્ચનો તમામ વ્યવહાર તે અકાઉન્ટથી જ કરવાનો રહેશે.