- ભાજપને ઢળવું હતું અને ઢાળ મળી ગયો
- મહાવિકાસ અઘાડીમાં તિરાડ : ઉદ્ધવે 17 ઉમેદવારો જાહેર કરી દીધા, તો પ્રકાશ આંબેડકરે 8 ઉમેદવારોનું એલાન કરી દીધું
મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપને ઢળવું હતું અને ઢાળ મળી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણકે ઉદ્ધવે 17 ઉમેદવારો અને પ્રકાશ આંબેડકરે 8 ઉમેદવારોના નામ જાહેર કરી દેતા મહાવિકાસ અઘાડીમાં તડા પડી ગયા છે. વિપક્ષ છૂટું છવાયું બની જતા એનડીએને કઈ કર્યા વગર જ ફાયદો દેખાઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ભાજપ તરફથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ 17 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ પૈકી ત્રણ બેઠકો પર કોંગ્રેસના દાવેદારો ટિકિટની રાહ જોઈ રહ્યા હતા. ઉદ્ધવ સેનાએ ઉમેદવારો ઉતારતાની સાથે જ મહાવિકાસ અઘાડીમાં ભડકો શરૂ થઈ ગયો છે. એક તરફ કોંગ્રેસના નેતા સંજય નિરુપમે પાર્ટીને અલ્ટીમેટમ આપ્યું છે, તો બીજી તરફ અનેક વરિષ્ઠ નેતાઓએ ઉદ્ધવ સેના પર પ્રહારો કર્યા છે. આ જાહેરાતથી શરદ પવાર પણ નારાજ થઈ ગયા છે. અહેવાલો અનુસાર, તેમણે કહ્યું છે કે અમારા સહયોગી ગઠબંધન ધર્મનું પાલન નથી કરી રહ્યા. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બાળાસાહેબ થોરાટે ઉદ્ધવ ઠાકરેને સાંગલી સહિત બે બેઠકો પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે.
મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડે પણ આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારે ગઠબંધનમાં સર્વસંમતિ ન બની હોય તો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ સાંગલી અને મુંબઈની બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત ન કરવી જોઈતી હતી. આ ખોટું થયું છે. દરમિયાન, વંચિત બહુજન અઘાડી (વિબીએ)ના નેતા પ્રકાશ આંબેડકરે પણ એમવીએ સિવાય એકલા જ લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તેમણે બુધવારે આઠ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ સિવાય સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ એમવીએ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કર્યો છે.
એમવીએએ શેટ્ટીને હાથકનાંગલે સીટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમને જણાવી દઈએ કે બુધવારે જ ઉદ્ધવ ઠાકરે જૂથે 17 નામોની જાહેરાત કરી છે. તેમાંથી ચંદ્રહર પાટીલને સાંગલીથી તક મળી છે. આ સિવાય અમોલ કીર્તિકરને મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જેમને ખિચડી કૌભાંડમાં ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ બેઠક પર પણ ભારે વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરુપમે આ બેઠકને લઈને અલ્ટીમેટમ આપ્યું છે.
સંજય નિરુપમે કહ્યું કે મારી પાસે વિકલ્પોની કોઈ કમી નથી. હું એક અઠવાડિયા સુધી રાહ જોઈશ અને પછી નિર્ણય લઈશ. મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી અમોલ કીર્તિકરને મેદાનમાં ઉતારવા પર તેમણે કહ્યું કે હું ખીચડી ચોર માટે પ્રચાર નહીં કરું. તેમણે કહ્યું કે કોંગ્રેસે શિવસેનાને આત્મહત્યા કરી લીધી છે, પરંતુ હું આ સ્વીકારીશ નહીં. આ રીતે એક તરફ તેમણે શિવસેના પર પ્રહારો કર્યા તો બીજી તરફ તેમના હાઈકમાન્ડને પણ ખુલ્લો પડકાર ફેંક્યો. સંજય નિરુપમે કહ્યું કે આ સીટ પરથી જે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તેમના પર કામદારોની ખીચડી પણ ચોરી કરવાનો આરોપ છે.
શરદ પવાર નારાજ : અઘાડી ધર્મનું પાલન ન થતું હોવાનો વસવસો વ્યક્ત કર્યો
એનસીપીના શરદ પવારે ઠાકરે જૂથ અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણીને લઈને ચાલી રહેલા વિવાદને લઈને નારાજગી વ્યક્ત કરી છે. શરદ પવાર જૂથની આંતરિક બેઠકમાં શરદ પવારે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. શરદ પવાર જૂથની સંસદીય બેઠક મળી હતી. આ બેઠકમાં શરદ પવારે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું કે કોંગ્રેસ અને ઉદ્ધવ મહાવિકાસ અઘાડીના ધર્મનું પાલન કરતા હોય તેવું લાગતું નથી.