- દિવ્યાંગ, વડીલ મતદારોને બુથ પર વ્હીલચેર સહિતની સુવિધા મળે તે માટે ખાસ મોબાઈલ એપ કાર્યરત
- 16મી દિવ્યાંગ તેમજ વડીલ મતદારોની ખાસ જાગૃતિ રેલી તેમજ વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાશે
લોકસભા ચૂંટણીના મહાપર્વમાં દિવ્યાંગ તથા સિનિયર સીટીઝન મતદાતા જોડાય અને સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજકોટ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
દિવ્યાંગ તથા સિનિયર સીટીઝન મતદાતાને મતદાન દિવસે કોઈ મુશ્કેલી ન પડે તે માટે મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવેલી છે.
જેના માધ્યમથી દિવ્યાંગ અને સિનિયર સીટીઝન મતદાતાને જરૂરીયાત મુજબ વ્હીલચેર, મતદાન મથક સુધી પહોંચવા વાહન સેવા, સહાયક સેવા આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ માટે મતક્ષેત્રના મદદનીશ ચુંટણી અધિકારી સાથે અને બુથ લેવલ ઓફિસર સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે.
વિશેષમાં આ કામગીરી માટે રાજકોટ જિલ્લા ખાતે ખાસ નોડલ અધિકારી તરીકે જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.
મતદાન પર્વમાં દિવ્યાંગ મતદાતા તથા સિનિયર સીટીઝન મતદાતા જોડાય તે માટે 16મી એપ્રિલે સાંજે પાંચ કલાકે ખાસ જનજાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બાલભવનથી બહુમાળી ભવન સુધી મતદાન જાગૃતિ રેલી રાખવામાં આવી છે. જેમાં શ્રી છ.
શા.વિરાણી બહેરા-મુંગા શાળા રાજકોટ વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ રાજકોટ શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની સંસ્થાના દિવ્યાંગો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે
વિરાણી બહેરા-મુંગા શાળાના બાળકો દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે નાટક દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવશે.
આ સાથે દિવ્યાંગો દ્વારા જુદા-જુદા સ્લોગનો સાથે મતદાન જાગૃતિ અંગેનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તથા નોડલ ઓફિસર , નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને સહનોડલ અધિકારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજકોટ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદાતા અને સિનિયર સીટીઝન મતદાતા મતદાનપર્વમાં જોડાય તે માટે ચૂંટણીપંચ વતી અપીલ કરવામાં આવશે. વિશેષ વિગતો માટે હેલ્પ લાઇન નંબર: 0281-2448590 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.