આવતીકાલે યોજાનાર વિધાનસભા ચૂંટણીની કામગીરી પુરજોશમાં: રિટર્નીંગ ઓફિસરો ઉતર્યા ફિલ્ડમાં
આવતીકાલે વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ તબકકાનું મતદાન યોજાનાર છે ત્યારે સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાની ૪૮ બેઠકો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં અને પારદર્શકતાથી ચૂંટણી યોજાઈ તે માટે વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કુલ ૧૩,૧૧૬ મતદાન મથકોનો હવાલો આજથી સુરક્ષા જવાનોએ સંભાળી લીધો છે. ડિસ્પેચીંગ સેન્ટરથી ઈવીએમ, વીવીપેટ તેમજ અન્ય ચૂંટણી સાહિત્ય સાથે ૬૬,૭૦૮ કર્મચારીઓ રવાના થઈને સાંજ સુધી મતદાન મથકોએ પહોંચશે.
આવતીકાલે સવારે ૭ કલાકથી સાંજે ૫ કલાક સુધી મતદાન યોજાનાર છે. મતદાન મથકો પર આ વખતે મતદારોને કોઈ મુશ્કેલી ન રહે તે માટે વિશેષ સુવિધાઓ રાખવામાં આવી છે. મતદાન મથકો પર લાગેલી કતારમાં મતદારોને ઉભું રહેવું ન પડે તે માટે શાળાનું ફર્નિચર બેસવા માટે ઉપયોગમાં લેવાશે. ચૂંટણીની તૈયારીઓ માટે આજથી વિધાનસભા બેઠકના રીટર્નીંગ ઓફિસરો ખુદ ફિલ્ડ ઉપર ઉતર્યા છે અને તમામ કામગીરીની ચકાસણી કરી રહ્યા છે. દરેક મતદાન મથકમાં પ્રિસાઈડીંગ ઓફિસર, ઝોનલ ઓફિસર, માઈક્રો ઓબ્ઝર્વર સહિતનો ઓછામાં ઓછો પાંચ વ્યકિતનો પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે. તેઓ સાંજ સુધીમાં પોતાના મતદાન મથકોએ પહોંચીને મતદાન પ્રક્રિયા માટેની સંપૂર્ણ વ્યવસ્થાને આખરીઓપ આપશે.
રાજકોટ જિલ્લાની ૮ બેઠકો માટે કુલ ૯૮૯૮નો ચૂંટણી સ્ટાફ છે. જિલ્લામાં કુલ ૨૧૫૮ મતદાન મથકો છે. દરેક બેઠકોમાં ૧ મહિલા મતદાન મથક પણ રાખવામાં આવ્યું છે. જિલ્લામાં ૧૬ પુરક મતદાન મથકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગઈકાલે ચૂંટણી સ્ટાફનું અંતિમ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. આ રેન્ડમાઈઝેશનમાં ચૂંટણી સ્ટાફે કયા મતદાન મથક પર ફરજ બજાવવાની છે તે નકકી થયું હતું. જિલ્લાના ૯૮૯૮ ચુંટણી કર્મચારીઓ સવારે રીસીવીંગ સેન્ટરો ઉપર પહોંચી ગયા હતા. તેઓ ચૂંટણી સાહિત્ય સાથે પોતાને સોંપેલા મતદાન મથકો પર જવા રવાના થશે.