પ્રથમ દિવસે 30 ફોર્મ ઉપડયા: મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા
વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ જૂનાગઢ જિલ્લામાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો માટે પ્રથમ દિવસે કુલ 30 ફોર્મ ઉપડ્યા હતા. જો કે, એક પણ ફોર્મ ભરાયું ન હતું. તો બીજી બાજુ જૂનાગઢના જોશીપરાની ગંગા નગર સોસાયટીમાં મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા છે. તો વંથલીમાં માણાવદર સીટ માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરાતા ભડકો સર્જાયો છે અને વંથલી નગરપાલિકાના કોંગ્રેસના અગ્રણીઓએ રાજીનામાં ધરી દીધા છે.
જૂનાગઢમાં વિધાનસભાની પાંચ બેઠકો આવેલા છે જેમાં જુનાગઢ, માણાવદર કેશોદ વિસાવદર અને માંગરોળ બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે શનિવારે ફોર્મ ઉપાડવાના પ્રથમ દિવસે જુનાગઢ બેઠક માટે 3 ફોર્મ, માણાવદર બેઠક માટે પ ફોર્મ, વિસાવદર બેઠક માટે 6 ફોર્મ, કેશોદ બેઠક માટે 8 ફોર્મ અને માંગરોળ બેઠક માટે 8 ફોર્મ મળી કુલ 36 ફોર્મ ઉપડ્યા હતા.
આ સાથે જૂનાગઢમાં ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ચમકારા નજરે પડી રહ્યા છે. માણાવદરની સીટ માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતાની સાથે જ વંથલી કોંગ્રેસમાં આગ ભભુકી છે અને વંથલી કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ઉમેદવાર સામે નારાજગી દર્શાવી રાજીનામાં ધરી દેવામાં આવ્યા છે.
એ સાથે જૂનાગઢના જોશીપરાની ગંગાનગર સોસાયટીમાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા ન મળતા લોકો રોસે ભરાયા છે અને જોષીપરાની ગંગાનગર સોસાયટીના રહીશો દ્વારા મતદાન બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે.