નવી મતદાર નોંધણી, વેરહાઉસ, બુથ, બીએલઓ ટ્રેનીંગ, વોટર્સ કાર્ડ વગેરે અંગે વિસ્તૃત ચર્ચા: અધિકારીઓને અપાયું માર્ગદર્શન
રાજ્યની વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ કલેકટર કચેરી ખાતેથી સામેલ થયા હતા. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીની અધ્યક્ષતામાં આ વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં નવી મતદાર નોંધણી, ઇ.વી.એમ. મશીનના વેરહાઉસ, ચૂંટણી બુથ, બી.એલ.ઓ ટ્રેનિંગ, વોટર્સ કાર્ડ, ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થનારા સૌ કોઈની ટ્રેનિંગ, મતદાન મથકો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ગોઠવવા, વગેરે બાબતો વિષે આ બેઠકમાં લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. નવા મતદારોમાં તમામ માધ્યમો દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવાની અને વોટર અવેરનેસ ફોરમની પ્રવૃત્તિને વેગ આપવા આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. શ્રીમતી પી. ભારતીએ રાજ્યભરના તમામ જિલ્લાઓની ચૂંટણીલક્ષી માહિતી સંબંધિત કલેકટર્સ પાસેથી મેળવી હતી અને જરૂરી આદેશો આપ્યા હતા.
રાજ્યભરના તમામ જિલ્લાઓના કલેકટર્સ આ મિટિંગમાં ઓનલાઇન જોડાયા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, પ્રાંત અધિકારીઓ કે.જી. ચૌધરી, કે.વી.બાટી, જયેશ લીખીયા, સંદીપ વર્મા, પ્રજ્ઞા ગોંડલીયા, એ.ડી. જોશી, વીરેન્દ્ર દેસાઇ, મામલતદારો તથા ચૂંટણી સાથે સંકળાયેલ કર્મચારીઓ જોડાયા હતા.